નેશનલ

DRI મુંબઈએ સુરતના વેપારીની કરી ધરપકડઃ અખરોટની ઈમ્પોર્ટ ડ્યૂટીમાં ચોરીનો મામલો

મુંબઈ: આપણા દેશમાંથી કોઈ વસ્તુની નિકાસ કે અન્ય દેશમાંથી કોઈ વસ્તુની આયાત કરવા માટે સરકારને ડ્યુટી ચૂકવવી પડે છે. પરંતુ કેટલાક લોકો આ ડ્યુટીથી બચવા માટે અવનવી યુક્તિઓ કરતા હોય છે. તાજેતરમાં DRI મુંબઈની યુનિટ દ્વારા 44 કરોડની ઈમ્પોર્ટ ડ્યુટીની ચોરી કરનાર એક સુરતી વેપારીની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર કેસ શું છે? આવો જાણીએ.

DRI મુંબઈને મળી બાતમી

સુરતના દીપક કાકડિયા અને તેમનો પુત્ર સ્નેહ કાકડિયા સુરત અને મુંબઈમાં જુદા જુદા ફર્મ ચલાવે છે અને તેઓ ચીલીથી અખરોટની આયાત પણ કરે છે. અખરોટની આયાતમાં તેઓ ઈમ્પોર્ટ ડ્યુટીની ચોરી કરતા હોવાની DRI મુંબઈની યુનિટને બાતમી મળી હતી. આ બાતમીના આધારે દીપક કાકડિયા અને તેમનો પુત્ર સ્નેહ કાકડિયા સાથે ફરિયાદ નોંધવામાં આવી હતી તથા સુરત એરપોર્ટ ખાતેથી સ્નેહ કાકડિયાની ધરપકડ કરવામાં આવી હતી.

બાપ-દીકરાની જોડી કેવી રીતે કરતી હતી ચોરી?

દીપક કાકડિયા અને તેમનો પુત્ર સ્નેહ કાકડિયા ચીલીથી યુએઈ અખરોટ મોકલતા હતા. ત્યાંના મધ્ય-પૂર્વી દેશની એક ફર્મમાં તેઓ તેની ઓછી કિંમતનું ચલણ બતાવતા હતા. ત્યારબાદ તેની ભારતમાં આયાત કરતા હતા. આયાત દરમિયાન તેઓ ખોટું ચલણ બતાવતા હતા. DRI મુંબઈ દ્વારા ચીલીની કંપની દ્વારા આપવામાં આવેલા અસલ ચલણના આધારે આ વાતની પુષ્ટી પણ કરી છે.

44 કરોડ રૂપિયાની કસ્ટમ ડ્યુટીની ચોરી

DRIના અધિકારીઓના જણાવ્યાનુસાર, કસ્ટમ ડ્યુટી ચોરી કરવાના હેતુથી સરેરાશ 2.7 ડોલર પ્રતિ કિલોથી વધુ કિંમત ધરાવતા માલની કિંમત લગભગ 1.50 ડોલર પ્રતિ કિલો જેટલી ઓછી બતાવવામાં આવી હતી. આ રીતે 44 કરોડ રૂપિયાની કસ્ટમ ડ્યુટીની ચોરી કરવામાં આવી હતી. આયાત કરાયેલા માલમાં 3,610 મેટ્રિક ટનથી વધુ શેલ અખરોટ હતા.

ઉલ્લેખનીય છે કે, સુરતી વેપારીઓ દ્વારા કરવામાં આવેલી કસ્ટમ ડ્યુટીની ચોરી કસ્ટમ્સ એક્ટ, 1962 ની કલમ 135(1)(a) અને (b) હેઠળ નોંધનીય અને બિન-જામીનપાત્ર ગુનો કર્યો છે. જે કલમ 135(1)(a)(i)(A) ​​અને 135(1)(b)(i)(A) ​​હેઠળ સજાપાત્ર છે. જેને લઈને હવે બાપ-દીકરાની જોડીને સજા થશે.

આ પણ વાંચો…DRIએ ₹ 60 કરોડના લક્ઝરી ફર્નિચર આયાત કૌભાંડનો પર્દાફાશ કર્યો: બે જણની ધરપકડ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button