તમિલનાડુમાં DRI & ICGની સંયુક્ત કાર્યવાહીઃ 99 કિલો ડ્રગ્સ જપ્ત

ચેન્નઈઃ શ્રીલંકાની દરિયાઈ સીમા નજીક તમિલનાડુમાં મંડપમ દરિયા કિનારેથી રેવન્યુ ઇન્ટેલિજન્સ ડિરેક્ટોરેટ (ડીઆરઆઇ) અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના (આઇસીજી) સંયુક્ત ઓપરેશનમાં એક દેશી બોટમાંથી 99 કિલો ડ્રગ્સ (હશીશ) જપ્ત કરવામાં આવ્યું હતું. આ ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 108 કરોડ રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એક અધિકારીએ આ જાણકારી આપી હતી.
દેશનું એક જહાજ શ્રીલંકા તરફ જઈ રહ્યું હતું ત્યારે ડીઆરઆઇ અને ભારતીય કોસ્ટ ગાર્ડ મંડપમના અધિકારીઓની સંયુક્ત ટીમે તેનો પીછો કર્યો હતો અને તેને અટકાવવામાં આવ્યું હતું. ભારતથી શ્રીલંકામાં માદક દ્રવ્યોની દાણચોરી કરવા માટે મંડપમના દરિયાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાની માહિતી મળતા અધિકારીઓ દ્ધારા 4 અને 5 માર્ચની મધ્યરાત્રિએ કોસ્ટ ગાર્ડના જહાજથી મન્નારની ખાડી પર નજર રાખવામાં આવી રહી હતી.
એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે દરિયામાં ડીઆરઆઇ અને કોસ્ટ ગાર્ડના અધિકારીઓને શ્રીલંકા તરફ જતા એક જહાનની ઓળખ કરી હતી અને થોડા સમય સુધી પીછો કર્યા બાદ તેને રોકવામાં આવ્યું હતું.
અધિકારીઓએ જહાજની અંદર જઇ તપાસ કરી તો તેમાંથી છૂપાવવામાં આવેલી પાંચ બોરીઓ મળી આવી હતી. બાદમાં જહાજ અને તેમાં સવાર ત્રણ લોકોને તપાસ માટે કોસ્ટ ગાર્ડ સ્ટેશન મંડપમ ખાતે લાવવામાં આવ્યા હતા.
પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલ્યું હતું કે બોરીઓમાં માદક દ્રવ્યો ભરેલા હતા અને તેમને આ ડ્રગ્સ પમ્બન દરિયાકાંઠાના વિસ્તારના એક વ્યક્તિએ આપ્યું હતું અને તેને શ્રીલંકામાં એક વ્યક્તિને આપવા માટે લઇ જવામાં આવી રહ્યું હતું. આ માહિતીના આધારે ડીઆરઆઇએ ડ્રગ્સ મોકલનાર વ્યક્તિને તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો.