ગુરુગ્રામની કોર્ટમાં વકીલો સિવાય તમામ માટે ડ્રેસકૉડઃ જાણો કારણ

ગુરુગ્રામ જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો. ખોટી ઓળખને રોકવા માટે અને કાનૂની વ્યવસાયની ગરિમા જાળવવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ જો તમે કોર્ટમાં જવાનું વિચારતા હશો, તો તમારે પહેલા કપડાંના રંગને લઈ સજાગ રહેવું પડશે. કોર્ટ પરિસરમાં સામાન્ય લોકોને સફેદ શર્ટ અને કાળી પેન્ટ પહેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, આ નિયમ 5 જૂન, 2025ના રોજ પસાર થયેલા ઠરાવમાં જાહેર થયો, જે ખાસ કરીને દલાલો દ્વારા વાદીઓને છેતરવાની ઘટનાઓને રોકવા માટે લાગુ કરાયો છે.
ગુરુગ્રામ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના 5 જૂનના ઠરાવમાં જણાવાયું છે કે ફક્ત નોંધાયેલા વકીલો અને અધિકૃત કાયદા પ્રશિક્ષણાર્થીઓ જ વકીલોનો પોશાક (સફેદ શર્ટ, કાળી પેન્ટ, સલવાર સૂટ અથવા સાડી) પહેરી શકશે. ક્લાર્ક, દલાલો, વાદીઓ કે સામાન્ય લોકોને આવા કપડાં પહેરવાની મનાઈ કરવામાં આવી છે. જે કોઈ પણ આ નિયમનું ઉલ્લેઘન કરશે તેમના પર 5000 રૂપિયાનો દંડ અને કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. બાર એસોસિએશન કોર્ટ પ્રશાસન અને સુરક્ષા કર્મચારીઓ સાથે સંકલન કરશે. એસોસિએશનના સેક્રેટરીએ મીડિયા રિપોર્ટસમાં કહ્યું કે આ નિર્ણયનો હેતુ દલાલો દ્વારા વાદીઓને ઠગવાની ઘટનાઓ રોકવાનો છે, જેમાં નકલી વકીલોની ઓળખથી કોર્ટની કાર્યવાહીમાં વિક્ષેપ પડે છે.
વધુમાં તેમણે જણાવ્યું સોમવારે કેટલાક કથિત દલાલોને સર્જિકલ કોટમાં ચેતવણી આપીને છોડવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે આ એક સપ્તાહમાં બે વ્યક્તિઓ વકીલોનો વેશ ધારણ કરીને કોર્ટરૂમમાં ઘૂસી ગયા હતા. આ નિયમ કાનૂની વ્યવસાયની ગરિમા જાળવવા અને ખોટી ઓળખ રોકવા માટે છે. આ નિયમ એડવોકેટ્સ એક્ટ, 1961ના નિયમોને આધારે છે, જે વકીલો માટે સફેદ શર્ટ, કાળી પેન્ટ, બ્લેક કોટ અને વ્હાઇટ બેન્ડને નિર્ધારિત પોશાક તરીકે નિયત કરે છે. આ વિવાદે સોશિયલ મીડિયા પર પણ ચર્ચા જગાવી છે, જ્યાં કેટલાકે આ નિર્ણયને ગેરબંધારણીય ગણાવ્યો છે.