DRDOએ સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમનું સફળ કર્યું પરીક્ષણ: હવે દુશ્મન દેશોને અપાશે જડબાતોડ જવાબ

ઓડિશા: ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) એ ભારતીય સેનાને સંરક્ષણના અત્યાધુનિક હથિયારો પૂરા પાડવા માટે સતત કાર્યરત રહે છે. તાજેતરમાં DRDOને એક મોટી સફળતા મળી છે. ભારતીય સંરક્ષણ ક્ષેત્ર માટે એક મોટી સફળતા તરીકે DRDOએ સ્વદેશી ઇન્ટિગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમ (IADWS)નું પ્રથમ સફળ પરીક્ષણ કર્યું છે.
હવામાં ઉડતા લક્ષ્યને બનાવ્યું નિશાન
23 ઓગસ્ટ, 2025 ના રોજ ઓડિશાના દરિયાકાંઠે સ્વદેશી ઇન્ટિગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં મિસાઇલોએ હવામાં ઉડતા લક્ષ્યને સફળતાપૂર્વક નષ્ટ કર્યું હતું. આ પરીક્ષણ દર્શાવે છે કે ભારત હવે હવાઈ સુરક્ષાના ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે.
IADWS બહુ-સ્તરીય સંરક્ષણ પ્રણાલીની વિશેષતા
IADWS એ એક અત્યંત શક્તિશાળી અને બહુ-સ્તરીય હવાઈ સંરક્ષણ પ્રણાલી છે, જે સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજી પર આધારિત છે. આ સિસ્ટમમાં ત્રણ મુખ્ય પ્રકારના શસ્ત્રોનો સમાવેશ થાય છે. ક્વિક રિએક્શન સરફેસ-ટુ-એર મિસાઈલ (QRSAM) ઝડપી પ્રતિક્રિયા આપીને દુશ્મનના હુમલાને અટકાવવા સક્ષમ છે. વેરી શોર્ટ-રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ (VSHORADS) ટૂંકા અંતરના હવાઈ જોખમો સામે રક્ષણ પૂરું પાડે છે. ડિરેક્ટેડ એનર્જી વેપન (DEW) ઉચ્ચ-શક્તિવાળા લેસર-આધારિત હથિયાર દુશ્મનના લક્ષ્યોને ચોકસાઈપૂર્વક નષ્ટ કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, આ સંરક્ષણ પ્રણાલી ખાસ કરીને પાકિસ્તાન અને ચીન જેવા પડોશી દેશો દ્વારા ઉદ્ભવતા સંભવિત ખતરાઓને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવી છે. તે બેલિસ્ટિક મિસાઇલો, ક્રુઝ મિસાઇલો, ફાઇટર એરક્રાફ્ટ, ડ્રોન અને હેલિકોપ્ટર જેવા હવાઈ જોખમો સામે રક્ષણ આપવા સક્ષમ છે. આ સિસ્ટમ અદ્યતન રડાર, મિસાઇલ સિસ્ટમ અને કમાન્ડ-એન્ડ-કંટ્રોલ સેન્ટરોના સંકલિત નેટવર્ક પર આધારિત છે, જે તેને વિશ્વની સૌથી અદ્યતન અને મજબૂત પ્રણાલીઓ પૈકીની એક બનાવે છે.
આ પણ વાંચો…DRDOએ આકાશ પ્રાઈમ એર ડિફેન્સ સિસ્ટમનું કર્યું સફળ પરીક્ષણ, જાણો તેની ખાસિયત…