હરિયાણામાં ભારે વરસાદનો કહેર: બહાદુરગઢમાં ડ્રેન તૂટતા અનેક વિસ્તારો જળમગ્ન, જનજીવન ખોરવાયું

બહાદુરગઢ: ઉત્તર ભારતમાં ભારે વરસાદને કારણે અનેક રાજ્યોમાં જનજીવન ખોરવાયું છે. છેલ્લા કેટલાક દિવસોથી પંજાબ પૂરનો સામનો કરી રહ્યું છે. ત્યારે આજે પંજાબના પડોશી રાજ્ય હરિયાણામાં દુર્ઘટના સર્જાઈ છે. જેથી કેટલાક શહેરો જળમગ્ન થઈ ગયા છે.
મંગેશપુર ડ્રેન તૂટી, શહેરમાં મોટું નુક્સાન
ભારે વરસાદના કારણે હરિયાણાના બહાદુરગઢની મંડેશપુર ડ્રેન તૂટી ગઈ છે. ભારે વરસાદ અને ટ્રેનોનું પાણી સમગ્ર શહેરમાં ફરી વળ્યું છે. જેથી ઔદ્યોગિક તથા રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયાં છે. ડ્રેન તૂટવાના કારણે વિવેકાનંદ નગર અને છોટુરામ નગર પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ઘરોમાં 5 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે. શહેરમાં આવેલા મારુતિ કંપનીના સ્ટોક યાર્ડમાં 150થી વધુ ગાડીઓ જળમગ્ન થઈ ગઈ છે.
ડ્રેન તૂટવાના કારણે જનજીવન થંભી ગયું છે. શહેરના નાની-મોટી દરેક વ્યક્તિ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. વિવેકાનંદ નગરમાં લોકોને ઘરની છત પર રહેવાની નોબત આવી છે. સિંચાઈ વિભાગના એક અધિકારીએ મીડિયાને જણાવ્યું કે, “ઔદ્યોગિક વિસ્તારની ઘણી ફેક્ટરીમાં પાણી ભરાઈ ગયું છે. જેના કારણે પ્રોડક્શન અટકી ગયું છે.”
આપણ વાંચો: ગુજરાતમાં 209 તાલુકામાં વરસાદ, કપરાડામાં 7 ઇંચથી વધુ! 5 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
SDRFની ટીમે શરૂ કરી બચાવ કામગીરી
શહેરમાં આવેલી કટોકટીની પરિસ્થિતિને લઈને SDRFની ટીમની સાથોસાથ ભારતીય સેનાએ બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. બંને ટીમ ડ્રેનના ધોવાણને અટકાવી તેને મજબૂત બનાવવા પર ધ્યાન આપી રહી છે. જોકે, પાણીના ભારે વહેણને કારણે મુશ્કેલી પડી રહી છે, પરંતુ તેમ છતાં યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.
તૂટેલી ડ્રેનમાંથી પાણીના વહેણને અટકાવવા માટે ભારતીય સેના દ્વારા તૂટેલા ભાગ પાસે લોખંડની જાળીવાળા બોક્સ રાખવામાં આવી રહ્યા છે. જેમાં માટી ભરેલી પ્લાસ્ટિકની બેગ રાખી શકાય. જેથી પાણીનું વહેણ અટકાવી શકાય.
ઉલ્લેખનીય છે કે, ભારતીય સેના અને SDRFની ટીમ સાથે સિંચાઇ વિભાગ તથા નગરપાલિકાના 100થી વધુ કર્મચારીઓ ખડેપગે રહ્યા છે. કર્મચારીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને મેડિકલ કેમ્પ પણ શરૂ કરવામાં આવ્યો છે. સિંચાઈ વિભાગ દ્વારા ફૂડ પેકેટ્સ પણ આપવામાં આવી રહ્યા છે.