‘ડોનેટ ફોર દેશ’ 18 ડિસેમ્બરથી કોંગ્રેસ શરુ કરશે online crowd funding ઝૂંબેશ
નવી દિલ્હી: 18 ડિસેમ્બરથી કોંગ્રેસ શરુ કરવા જઇ રહી છે ઓન લાઇન ક્રાઉડ ફંડીગ ઝૂંબેશ ડોનેટ ફોર દેશ. શનિવારે કોંગ્રેસ દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત વખતે કોંગ્રેસે ખાસ કહ્યું હતું કે તેમની આ ઝૂંબેશ મહાત્મા ગાંધીજી દ્વારા 1920-21માં શરુ કરવામાં આવેલ તિલક સ્વરાજ ફંડથી પ્રેરીત છે.
નવી દિલ્હી ખાતે યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં વાત કરતાં કોંગ્રેસના નેતા કે સી વેણુગોપાલ અને અજય માકને આ જાહેરાત કરી હતી. કોંગ્રેસના મહામંત્રી કે સી વેણુગોપાલે જણાવ્યું હતું કે, આ ઝૂંબેશ મહાત્મા ગાંધીજી દ્વારા 192-21માં શરુ કરવામાં આવેલ ઐતિહાસિક ઝૂંબેશ તિલક સ્વરાજ ફંડથી પ્રેરીત છે, જેનો ઉદ્દેશ પાર્ટીને વધુ ઉન્નત બનાવી દેશના વિકાસમાં ભાગીદારી નોંધાવાનો છે.
આ અંગે વાત કરતાં અજય માકને જણાવ્યું હતું કે, ડોનેટ ફોર દેશ આ ઝૂંબેશ અલગ અલગ ઝૂંબેશને આવરી લેતી ઝૂંબેશ છે. કોંગ્રેસ પોતાની 138મી વર્ષગાંઠ મનાવવા જઇ રહી છે ત્યારે આ ઝૂંબેશ પણ 138ના ગુણાકારમાં ડોનેશન સ્વિકાર કરશે.
કોંગ્રેસની 138 વર્ષગાંઠ નિમિત્તે અમે દેશવાસીઓને વિનંતી કરીએ છીએ કે તેઓ 138 રુપિયા, 1380 રુપિયા, 13800 કોંગ્રેસના એકાઉન્ટમાં ડોનેટ કરે જેથી પાર્ટી વધુ મજબૂત બનશે અને દેશના વિકાસમાં પોતાની ભાગીદારી નોંધાવશે. એમ અજય માકને જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું કે આ ઝૂંબેશ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેના હસ્તે 18મી ડિસેમ્બર 2023ના રોજ નવી દિલ્હી ખાતે શરુ કરવામાં આવશે.