
નવી દિલ્હી: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુએસમાં આયતા થતી ભારતના ઉત્પાદનો પર ભારે ટેરીફ લગાવ્યા બાદ અને ભારત પર વેપાર પ્રતિબંધો લગાવવાની અનેક વાર ધમકીઓ આપ્યા બાદ ભારત અને યુએસના સંબંધોમાં તિરાડ આવી છે. એવામાં ટ્રમ્પે એક મહત્વનું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે ભારત સાથે વેપાર વાટાઘાટો માટે તૈયારી બતાવી છે, જેના પર પ્રતિક્રિયા આપતા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વાતચીત માટે તૈયાર હોવાનું કહ્યું છે.
મંગળવારે ટ્રમ્પે તેમની માલિકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ સોશિયલ પર પોસ્ટ કરીને લખ્યું, “મને એ જાહેર કરતા ખુશી થઇ રહી છે કે ભારત અને યુએસ વચ્ચે વેપાર અવરોધો દૂર કરવા માટે વાટાઘાટો ચાલી રહી છે. હું આગામી અઠવાડિયે મારા ખૂબ જ સારા મિત્ર, વડા પ્રધાન મોદી સાથે વાત કરીશ. મને વિશ્વાસ છે કે આ વાટાઘાટો આપણા બંને મહાન દેશો માટે સારા પરિણામો સાથે પૂર્ણ થશે!”
વડાપ્રધાન મોદીએ શું કહ્યું?
ટ્રમ્પની પોસ્ટ અંગે વડાપ્રધાન મોદીએ X પર લખ્યું, “ભારત અને યુએસ મિત્રો અને ભાગીદાર છે. મને વિશ્વાસ છે કે આપણી વચ્ચે વેપાર વાટાઘાટો ભારત-યુએસ ભાગીદારીની અપાર સંભાવનાઓને ખોલશે. આપની ટીમો આ ચર્ચાઓને શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવા માટે કામ કરી રહી છે. હું પણ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાત કરવા માટે આતુર છું. અમે બંને દેશોના લોકો માટે ઉજ્જવળ અને સમૃદ્ધ ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે સાથે મળીને કામ કરીશું.”
વાતચીત ફરી શરુ થશે:
રશિયાથી પેટ્રોલીયમ ખરીદવા બદલ યુએસએ ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યો હતો. ટ્રમ્પ અને તેમના અધિકારીઓ સતત ભારતની ટીકા કરી રહ્યા છે અને વધુ પ્રતિબંધોની ધમકી આપી રહ્યા છે. જો કે ભારત પોતાના વલણ પર અડગ રહ્યું છે. હવે બંને દેશો વચ્ચે વેપાર અંગે વાતચીત ફરી શરુ થવા જઈ રહી છે.
આ પણ વાંચો….ભારત પર હજુ વધુ ટેરીફ લાગશે? યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પે આપ્યા આવા સંકેત…