અમેરિકા H-1B વિઝાના નિયમો બદલશે: નવો નિયમ ભારતીય વિદ્યાર્થીઓ માટે મુશ્કેલીઓ ઊભી કરશે?

અમેરિકા જઈને નોકરી કરવાનું ઘણા લોકોનું સપનું હોય છે. પરંતુ જેઓ ખૂબ જ કુશળ છે અને અમેરિકન કંપનીઓમાં કામ કરે છે, તેઓને યુએસ સરકાર દ્વારા H-1B વિઝા આપવામાં આવે છે. આ વિઝા મેળવવાની એક પ્રોસેસ હોય છે, જેમાંથી પસાર થયા બાદ H-1B વિઝા મળતા હોય છે.
જોકે, ટ્રમ્પ સરકાર H-1B વિઝાના નિયમો આપવાની સિસ્ટમમાં ફેરફાર કરવાનો વિચાર કરી રહી છે. જેનાથી ભારતીય વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી શકે છે.
ટ્રમ્પ સરકાર કેવો ફેરફાર કરશે?
હાલ H-1B વિઝા લોટરી સિસ્ટમ દ્વારા આપવામાં આવે છે. લોટરી સિસ્ટમ યોગ્ય લાયકાત ધરાવતા અરજદારોને તેમના પગારને ધ્યાનમાં લીધા વિના વિઝા મેળવવાની સમાન તક આપે છે.
તેથી આ સિસ્ટમમાં નવા સ્નાતકો અને અનુભવી વ્યાવસાયિકો એમ બંને પ્રકારના લોકોને સમાન રીતે H-1B વિઝા માટે અરજી કરવાની તક મળે છે, પરંતુ ટ્રમ્પ સરકાર આ સિસ્ટમને બદલીને વેતન-આધારિત સિસ્ટમ લાવવાનું વિચારી રહી છે.
ટ્રમ્પ સરકારની આ નવી વેતન-આધારિત સિસ્ટમ અરજદારોને તેમના પગારના આધારે પ્રાથમિકતા આપશે. તેથી જે અરજદારોને વધારે પગાર મળતો હશે, તેમને વિઝા મળવાની શક્યતાઓ વધી જશે. આ સિસ્ટમથી વધુ પગાર મેળવતા અનુભવી કર્મચારીઓને વધારે ફાયદો થશે. પરંતુ નવા સ્નાતકો તથા ઓછો પગાર મેળવતા અરજદારોને નુકસાન થશે.
ટ્રમ્પ સરકાર કેમ કરી રહી છે ફેરફાર?
જો આ ફેરફાર કરવામાં આવે તો ભારતના નવા સ્નાતકો અને એન્ટ્રી-લેવલ કર્મચારીઓને અમેરિકામાં નોકરી મેળવવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે, તેથી અમેરિકામાં કારકિર્દી બનાવવા ઈચ્છતા લોકો માટે આ એક ચિંતાનો વિષય છે. જોકે, અમેરિકન કામદારોના હિતોનું રક્ષણ કરવા અને ઉચ્ચ કૌશલ્ય ધરાવતા કામદારોને આકર્ષવા માટે ટ્રમ્પ સરકાર આ ફેરફાર કરવાનું વિચારી રહી છે.
H-1B વિઝા સિવાય બીજો વિકલ્પ શું?
ટ્ર્મ્પ સરકારના આ નિર્ણયથી અમેરિકામાં જેમણે ઓછા પગાર પર કરિયર શરૂ કરૂ કર્યું છે અથવા કરવા ઈચ્છે છે, તેમના માટે વિઝા મેળવવો લગભગ મુશ્કેલ બની જશે. ખાસ કરીને નોન-STEM ફિલ્ડના વિદ્યાર્થીઓ પર તેની અસર પડશે. કારણ કે આવા વિદ્યાર્થીઓનો શરૂઆતનો પગાર ઓછો હોય છે.
આ સિવાય વધુ પગાર ન આપી શકતી નાની કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સમાં કામ કરતા લોકો પર તેની અસર પડશે. જોકે, અરજદારો માટે O-1 વિઝા અને એમ્પ્લોયર-સ્પોન્સર્ડ ગ્રીન કાર્ડ જેવા વિકલ્પો પણ છે. પરંતુ આ બંને મેળવવાનો માપદંડ વધુ સખત છે અને તેની પ્રક્રિયા સમય માંગી લે તેવી હોય છે.
આ પણ વાંચો…H-1B વિઝા ધારકો જાણી લો આ ખાસ વાત, નહીંતર અમેરિકામાં પ્રવેશવું મુશ્કેલ બની જશે…