‘ડૉક્ટર ડેથ’ ઉમર મોહમ્મદનો નવો ફોટો અને CCTV ફૂટેજ સામે આવ્યા: જુઓ શું કરી રહ્યો હતો આતંકી

નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં લાલા કિલ્લા પાસે થયેલા ભીષણ વિસ્ફોટે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ કેસમાં અવનવા પુરાવા મળી રહ્યા છે. જેમાં ‘વ્હાઈટ કોલર ટેરર મોડ્યુલ’ની સંડોવણી પણ સામે આવી છે. આ મોડ્યુલ માટે કામ કરતો ઉમર મોહમ્મદ નામનો ડૉક્ટર જ વિસ્ફોટ થયેલી કારમાં બેસેલો હતો. આ ડૉક્ટરનો નવો ફોટો અને નવા CCTV ફૂટેજ સામે આવ્યા છે.
CCTVમાં ઉમર પાસે બે મોબાઈલ
દિલ્હી બોમ્બ વિસ્ફોટમાં ‘વ્હાઈટ કોલર ટેરર મોડ્યુલ’ના કેટલાક ડૉક્ટરના નામ સામે આવ્યા છે. જેમાં ડૉ. મુઝમ્મિલ, ડૉ. શાહીન અને ડૉ. ઉમરનો સમાવેશ થાય છે. ડૉ. ઉમરે લાલ કિલ્લા પાસે કારમાં બેસીને વિસ્ફોટ કર્યો હતો. જેમાં તે પોતે પણ ખાક થયો હતો.
જૈશ-એ-મોહમ્મદના આ આતંકવાદીની ઓળખ ‘ડૉક્ટર ડેથ’ તરીકે થઈ છે, તેનો એક નવો ફોટો પણ સામે આવ્યો છે. ફૂટેજમાં ડૉક્ટરનો પોશાક પહેરેલો દેખાય છે. તેણે સફેદ કોટ અને ગળામાં સ્ટેથોસ્કોપ પહેર્યું હતું, જેના દ્વારા તેણે સુરક્ષા એજન્સીઓને છેતરવાનો પ્રયાસ કર્યો હતો. નવા ફોટોની સાથોસાથ ડૉ. ઉમરના એક નવા CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં પણ આતંકવાદી ડૉ. ઉમરનો ચહેરો સ્પષ્ટપણે દેખાય છે.
આપણ વાચો: દિલ્હી બ્લાસ્ટ: આતંકી ઉમરના સહયોગીઓની ઓળખ સાથે કાર પણ મળી, વિસ્તાર ખાલી કરાયો
એક મોબાઈલ ફોનની દુકાનના CCTV ફૂટેજમાં ડૉ. ઉમર કેદ થયો છે. CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે, ડૉ. ઉમર પાસે બે મોબાઈલ હતા. બે પૈકીનો એક મોબાઈલ ડૉ. ઉમર દુકાનદારને ચાર્જ કરવા માટે આપતો દેખાય છે, જ્યારે તેના ખોળામાં બીજો ફોન પણ નજરે પડે છે. અધિકારીઓ અને પોલીસના મતે, તેની બોડી લેંગ્વેજ સ્પષ્ટપણે દર્શાવે છે કે તે ખૂબ જ તણાવમાં હતો અને ગભરાયેલો દેખાતો હતો.
ઉમરનો મોબાઇલ ફોન ગાયબ
ઉલ્લેખનીય છે કે, વિસ્ફોટ પહેલા જ ડૉ. ઉમરે બંને મોબાઈલને ક્યાંક છૂપાવી દીધા હશે, એવું સૂત્રો અનુમાન લગાવી રહ્યા છે. ડૉ. ઉમર જ તે વ્યક્તિ હતો જે શનિવારે લાલ કિલ્લા પાસે વિસ્ફોટ થયેલી હ્યુન્ડાઇ i20 કાર ચલાવી રહ્યો હતો. વિસ્ફોટમાં તેનું પણ મોત નીપજ્યું હતું. એવી પોલીસ તપાસમાં પણ પુષ્ટી થઈ છે.



