અમેરિકાએ ઓસામા બિન લાદેનના મૃતદેહનું શું કર્યું, ખબર છે?
અંદાજે 10 વર્ષ બાદ અમેરિકાને લાદેનના પાકિસ્તાનમાં હોવાના પુરાવા મળ્યા અને આ આતંકવાદીનો ખાત્મો બોલાવવા માટે ‘ઓપરેશન નેપ્ચ્યુન’ શરૂ થયું. જેના હેઠળ અમેરિકાના સૈન્યની એક ખાસ ટુકડી એ જગ્યાએ પહોંચી જ્યા લાદેન તેના પરિવાર સાથે સંતાયો હતો. લગભગ 2 ડઝન જેટલા કમાન્ડો હેલિકોપ્ટર દ્વારા એબોટાબાદ પહોંચ્યા. મકાનના ત્રીજે માળે છુપાયેલા લાદેનને ખ્યાલ આવી ગયો પરંતુ તે કંઇ વિચારે તે પહેલા તેના ભાગવાના તમામ રસ્તા બંધ થઇ ગયા હતા.
સૈનિકોએ સડસડાટ એક પછી એક ગોળીઓ લાદેનના શરીરમાં ધરબી દીધી. આ આખી ઘટનાનું વ્હાઇટ હાઉસમાં લાઇવ પ્રસારણ કરવામાં આવી રહ્યું હતું. લાદેનને ખત્મ કર્યા બાદ તરત જ DNA ટેસ્ટ કરવામાં આવ્યો. જેથી પાકું થઇ જાય કે મૃતદેહ તેનો જ છે.
બધી પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ અમેરિકાના કમાન્ડોએ તેની લાશને એક બેગમાં પેક કરી અને અફઘાનિસ્તાન લઇ ગયા. અહીંથી તેને ખાસ યુદ્ધજહાજ યુએસએસ કાર્લ વિન્સન સુધી ઇમ્પોર્ટ કરવામાં આવી.
અમેરિકાની સરકારને ડર હતો કે જો ઇસ્લામિક રીતિરિવાજોથી લાદેનને દફનાવવામાં આવે તો તેની કબર આતંકીઓ માટે તીર્થસ્થાન બની જશે. તેમજ આતંકવાદીઓ ખુન્નસમાં આવીને અન્ય કોઇ આતંકી પ્રવૃત્તિઓને અંજામ આપે તેવો પણ ભય હતો. લાદેનના મોતનું એલાન સરકાર કરી ચુકી હતી. વધુ સમય ન હતો.
આટલું જ નહિ, ઓસામા જ્યાંનો વતની હતો તે સાઉદી અરેબિયાએ પણ લાશ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. હવે અમેરિકા પર જ જવાબદારી હતી. તેના મૃતદેહને સંપૂર્ણ ઇસ્લામિક ધાર્મિક વિધિઓ સાથે સ્નાન કરાવવામાં આવ્યું અને તેને સફેદ કફનથી ઢાંકવામાં આવ્યું હતું. અરબી ભાષાના માણસને બોલાવી પ્રાર્થના કરાવવામાં આવી અને બાદમાં તેના મૃતદેહને એક બોક્સમાં બંધ કરીને સમુદ્રમાં ફેંકી દેવામાં આવ્યો હતો. આ બોક્સને 150 કિલોથી વધુ વજન ધરાવતી લોખંડની સાંકળો વડે બાંધવામાં આવ્યું હતું જેથી મૃતદેહ ફૂલીને ઉપર ન આવી જાય.
વર્ષ 2012માં યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સના કેટલાક ગુપ્ત દસ્તાવેજો લીક થયા હતા, જેમાં આ માહિતી હતી. જો કે લાદેનના મોત બાદ લાંબા સમય સુધી એવું કહેવામાં આવતું હતું કે અમેરિકાએ તેની હત્યા નથી કરી પરંતુ તેને કેદ કરી રાખ્યો છે. ઘણા સવાલો ઉભા થયા હતા કે જો અમેરિકાએ આટલા ખૂંખાર આતંકવાદીને મારી નાખ્યો હોય તો તેની તસવીરો ચોક્કસપણે જાહેર કરી હોત.
આ મુદ્દે તત્કાલિન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ સ્પષ્ટતા કરી હતી કે લાદેનને માથામાં ગોળી મારીને ખતમ કર્યો હતો. જો એ તસવીરો જાહેર થાય તો વધુ હિંસા ભડકી ઉઠત. લાદેનના મૃતદેહને દરિયામાં ફેંકી દેવા સિવાય બીજી ઘણી થિયરીઓ વહેતી થઇ હતી. એક થિયરી એ પણ છે જે કહે છે કે તેના શરીરના ઘણા ટુકડા કરી અલગ અલગ જગ્યાએ ફેંકવામાં આવ્યા હતા.