
નવી દિલ્હી: કર્ણાટકમાં મુખ્ય પ્રધાન બદલાશે, એવી અટકળો ચાલી રહી છે. નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમારને મુખ્ય પ્રધાન બનાવવામાં આવે એવું કેટલાક ધારાસભ્યો ઈચ્છી રહ્યા છે. એક તરફ કૉંગ્રેસ હાઇ કમાન્ડ આ બળવાને શાંત પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. તો બીજી તરફ હવે ડીકે શિવકુમારને કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે સંકળાયેલા એક કેસને લઈને દિલ્હી પોલીસે નોટિસ મોકલી છે અને 19 ડિસેમ્બર સુધીમાં જવાબ માંગ્યો છે.
ડીકે શિવકુમારને કેમ મળી નોટિસ
નેશનલ હેરાલ્ડ કેસને લઈને દિલ્હી પોલીસ તપાસ કરી રહી છે. આ તપાસમાં આગળ વધતા દિલ્હી પોલીસના ઇકોનોમિક ઓફેન્સ વિંગ(EOW) દ્વારા કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમારને નોટિસ મોકલવામાં આવી છે. નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે, ‘તમને જણાવવામાં આવે છે કે, EOW દિલ્હી પોલીસ ઉપરોક્ત બાબતની FIRની તપાસ કરી રહી છે અને તમારી પાસે આ બાબત સાથે સંબંધીત જરૂરી માહિતી છે.’
ડીકે શિવકુમાર પાસે નેશનલ હેરાલ્ડ કેસની FIR સાથે જોડાયેલા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી વિરૂદ્ધ અગત્યના દસ્તાવેજો હોવાની EOWને આશંકા છે. તેથી નોટિસમાં ડીકે શિવકુમારને ફાઇનાન્શિયલ અને ટ્રાન્ઝેક્શનલ વિગતો માંગવામાં આવી છે. જેમાં યંગ ઇન્ડિયાને ટ્રાન્સફર કરવામાં આવેલા ફંડની વિગતોનો સમાવેશ થાય છે.
નોટિસમાં પૂછાયા ડીકે શિવકુમારને સવાલ
EOWની નોટિસમાં ડીકે શિવકુમારને બેંક લેવડ-દેવડનો ઉદ્દેશ્ય, પૈસાની સ્ત્રોત, AICCના પદાધિકારીઓ વચ્ચે થયેલા કોઈ પણ કોમ્યુનિકેશનનું વર્ણન, ચૂકવણી કોના કહેવા પર કરવામાં આવી, તે પૈસાનો ઉપયોગ શેના માટે થતો? આ અંગે તમને ખબર હતી, વગેરે જેવા પ્રશ્નો કરવામાં આવ્યા છે. ડીકે શિવકુમારને 19 ડિસેમ્બર સુધીમાં EOW સમક્ષ હાજર થવાની અથવા માંગવામાં આવેલી માહિતી પૂરી પાડવાનો આદેશ આપવામાં આવ્યો છે.
2012માં શરૂ થયો નેશનલ હેરાલ્ડ કેસ
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2012 માં ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામી દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદથી નેશનલ હેરાલ્ડ કેસની શરૂઆત થઇ હતી. આ કેસ નેશનલ હેરાલ્ડ ન્યુઝ પેપર, તેના પ્રકાશક એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) અને યંગ ઇન્ડિયન પ્રાઇવેટ લિમિટેડ સાથે જોડાયેલો છે. નેશનલ હેરાલ્ડ કેસમાં ED એ દાખલ કરેલી ચાર્જશીટમાં કૉંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની સામે ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતા. ચાર્જશીટમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સેમ પિત્રોડા, સુમન દુબે સહિત ઘણા નેતાઓના નામ પણ સામેલ છે.
આ પણ વાંચો…નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ પણ આરોપી બનશે? કોર્ટની સુનાવણીમાં EDના વકીલના સવાલ



