નેશનલ

ચહલ અને ધનશ્રીના છૂટાછેડા બાદ ભરણપોષણનો મુદ્દો ફરી ચર્ચામાં; જાણો શું છે નિયમ…

નવી દિલ્હી: લાંબા સમય સુધી ચર્ચા ચાલ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમના સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા (Chahal-Dhanshree Divorce) થઇ ગયા છે. કોર્ટના ચુકાદા મુજબ યુઝવેન્દ્ર ચહલ ધનશ્રીને 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ ચૂકવશે. ભરણપોષણનો મુદ્દો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.

આ પણ વાંચો…‘લગ્ન તેમના માટે મજાક છે’, ધનશ્રી સાથે છૂટાછેડા બાદ ચહલનું જૂનું ટ્વીટ થયું વાયરલ…

ભરણપોષણ કેમ આપવામાં આવે છે?
ભરણપોષણ એટલે છૂટાછેડા ભાગ રૂપે કોર્ટ દ્વારા જીવનસાથી અથવા ભૂતપૂર્વ જીવનસાથીને ચૂકવવામાં આવતી રકમ. આ રકમ જેની કોઈ આવક નથી અથવા ખુબ જ ઓછી આવક છે તેવા પૂર્વ જીવનસાથીને આર્થિક રીતે ટેકો આપવા માટે મદદ કરે છે, જેથી છૂટાછેડા બાદ તેના જીવનધોરણને માઠી અસર ના થાય.

હિન્દુ મેરેજ એક્ટની કલમ 25 હેઠળ, જો પત્ની કામ કરતી મહિલા હોય, પરંતુ તે તેના પતિ કરતા ઓછી કમાણી કરતી હોય અને આવકમાં નોંધપાત્ર તફાવત હોય, તો પત્ની છુટાછેડા બાદ પતિ જેવું જ જીવનધોરણ જાળવી શકે એ માટે પતિએ ભરણપોષણ આપવું જોઈ. જો પત્ની કમાતી ન હોય, તો પત્નીને ભરણપોષણ આપવા અંગે કોર્ટ તેની ઉંમર, શૈક્ષણિક લાયકાત અને કમાવવાની ક્ષમતાને ધ્યાનમાં લેશે.

ભરણપોષણની રકમ શેના પર આધાર રાખે છે?
ભરણપોષણની રકમ દંપતી કેટલા સમયથી લગ્નજીવનમાં સાથે રહે છે તથા એક અથવા બંનેની આવક પર આધાર રાખે છે. જો બંને દસ વર્ષ કે તેથી વધુ સમય સાથે રહ્યા હોય અને બંનેની આવક સમાન ન હોય તો ભરણપોષણ ચૂકવવામાં આવે છે.

જો લગ્નનો સમયગાળો દસ વર્ષથી ઓછો હોય અને પતિ-પત્ની બંનેની આવક સમાન હોય, તો કોઈ ભરણપોષણ ચૂકવવામાં આવતું નથી.

ભરણપોષણની રકમ નક્કી કરવા માટે કોઈ નિશ્ચિત ફોર્મ્યુલા નથી. સામાન્ય રીતે જીવનસાથીની કુલ આવકના એક તૃતીયાંશથી પાંચમા ભાગની હોય છે.

માસિક ભરણપોષણના કિસ્સામાં રકમ જીવનસાથીના મહિનાના પગારના 25% થી વધુ ન હોઈ શકે. બાળકોની સંખ્યાને આધારે પણ ભરણપોષણની રકમ નક્કી કરવામાં આવે છે.

ભરણપોષણ ક્યારે બંધ કરી શકાય?
ફરીથી લગ્ન કરવા, જીવનસાથીના મૃત્યુ અથવા કોર્ટના આદેશ પછી ભરણપોષણની ચુકવણી બંધ થઈ જાય છે. બાળકોને માતાપિતા તરફથી નાણાકીય મદદની જરૂર ન હોય તેવા કિસ્સામાં ભરણપોષણ બંધ થઈ શકે છે. જો ન્યાયાધીશને એવી ખાતરી થાય કે વ્યક્તિ આર્થિક રીતે આત્મનિર્ભર બનવાનો પ્રયાસ કરી રહી નથી, તો પણ ચુકવણી બંધ કરવામાં આવી શકે છે.

ચાઈલ્ડ સપોર્ટ અને ભરણપોષણમાં શું ફરક છે?
જીવનસાથીને આર્થિક રીતે ટેકો આપવા માટે ભરણપોષણ આપવામાં આવે છે, જ્યારે ચાઈલ્ડ સપોર્ટની રકમ કસ્ટોડિયનને ચૂકવવામાં આવે છે, જેથી તે બાળકની સંભાળ રાખી શકે. બાળક 18 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી ચાઈલ્ડ સપોર્ટ બંધ થઇ જાય છે.
જો વ્યક્તિ નાદારી નોંધાવે તો પણ ભરણપોષણ અને ચાઈલ્ડ સપોર્ટ બંને બંધ થઇ જાય છે.

શું પતિને ભરણપોષણ મળી શકે છે?
જો પતિ કમાતો ન હોય અથવા તે દિવ્યાંગ હોય અને પત્ની કમાઈ રહી હોય, તો કોર્ટ પતિને ભરણપોષણ આપી શકે છે.

આ પણ વાંચો…આ બે સુંદરીને ક્રિકેટર સાથે થયો હતો પ્રેમ, ધનશ્રી અને ચહલની માફક લીધા હતા છૂટાછેડા

ભરણપોષણ અંગે સુપ્રીમ કોર્ટનો ચુકાદો:
2024 માં રિંકુ બહેતી વિરુદ્ધ સંદેશ શારદા કેસના ચુકાદામાં, સુપ્રીમ કોર્ટે કહ્યું કે છૂટાછેડા લીધેલી પત્ની ફક્ત તેના ભૂતપૂર્વ પતિને સમાન સંપત્તિનો દરજ્જો જાળવી રાખવા માટે કાયમી ભરણપોષણ માંગી શકતી નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button