પુત્રીના પ્રેમપ્રસંગથી નારાજ પિતાએ પ્રેમી અને પુત્રીને મોતને ઘાટ ઉતાર્યા

ઉત્તરપ્રદેશ: બદાયું જિલ્લામાં હૈયુ હચમચાવી નાખતી એક ઘટના બની છે. બદાયુંના કોતવાલી બિલ્સી ક્ષેત્રમાં પુત્રીના પ્રેમપ્રસંગથી નારાજ એક પિતાએ પ્રેમી સહિત પુત્રીની તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરી નાખી. એ પછી તેણે પોલીસ સ્ટેશને પહોંચીને આત્મસમર્પણ કરી લીધું હતું. ગુનાની કબૂલાતને પગલે પોલીસે તેની ધરપકડ કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો હતો, અને ઘટનાની તપાસ શરૂ કરી દીધી હતી.
વરિષ્ઠ પોલીસ અધિક્ષક ઓપી સિંહે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી. પ્રથમ દ્રષ્ટિએ પોલીસને આ એક ઓનર કિલીંગનો કેસ લાગી રહ્યો છે. પિતાએ આબરુ બચાવવાના પ્રયાસોમાં આવેશમાં આવી જઇને હત્યા કરી નાખી હોય તેવું જણાઇ રહ્યું છે. પુત્રીને જે યુવક મળવા આવ્યો હતો તે અનુસૂચિત જાતિનો હતો. બંને મૃતક સચિન અને નીતુ સરખી ઉંમરના જ હતા. લગભગ એકાદ-બે વર્ષથી તેઓ એકબીજા સાથે સંબંધમાં હતા. તેમના પરિવારજનોને પણ આ વાતની જાણ હતી.
પાડોશીઓના જણાવ્યા મુજબ સચિન અને નીતુના સંબંધોને લઇને અવારનવાર તકરાર થતી, તણાવભર્યો માહોલ ઉભો થતો. પરિવારજનોએ બંનેને રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઇને કોઇ પ્રકારે તેઓ સંપર્ક કરતા રહ્યા.
પોલીસના જણાવ્યા અનુસાર સચિન સોમવારે મધરાતે નીતુને તેના ઘરે મળવા આવ્યો હતો. બંને નીતુના ઘરના દરવાજે બેઠા હતા. સવારે સાડા ચાર વાગે અવાજ સાંભળીને નીતુનો પરિવાર જાગી ગયો હતો અને બધાએ મળીને સચિન અને નીતુ પર હુમલો કર્યો હતો. પરિવારજનોએ બંનેને માર માર્યો હતો.
નીતુના પિતા મહેશે બંનેની પાવડા વડે માર મારીને હત્યા કરી હતી. ઘટના બાદ યુવતીના અન્ય પરિવારજનો ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા પરંતુ નીતુના પિતા મહેશ પાવડો લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ત્યાં આત્મસમર્પણ કર્યું હતું. એસએસપીએ કહ્યું કે સચિનના પરિવારની ફરિયાદ પર આ મામલે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.