હિમાચલમાંથી આવ્યા આફતના ન્યૂઝઃ ઠંડીનો પ્રકોપ વધ્યો, અનેક શહેરોમાં તાપમાન માઈનસમાં

શિમલાઃ હિમાચલ પ્રદેશમાં વરસાદ અને હિમવર્ષા બંધ થયા બાદ હવે ઠંડીના પ્રકોપનું જોર વધ્યું છે. સમગ્ર રાજ્ય પર ઠંડીએ હુમલો કર્યો છે. જેના પગલે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઠંડીના કારણે રાજ્યમાં ઠંડીનો પારો ગગડીને માઇનસ ૧૨ ડિગ્રીએ પહોંચ્યો છે.
હવામાન વિભાગના શિમલા કેન્દ્રએ આગામી છ દિવસ સુધી સ્વચ્છ હવામાનની આગાહી કરી છે અને બુધવારે હવામાન સ્વચ્છ અને તડકો જોવા મળ્યો હતો. જોકે કોલ્ડવેવના કારણે કડકડતી ઠંડી અનુભવાઇ છે. હવામાન વિભાગે બુધવારે ઠંડી માટે યલો એલર્ટ જારી કરતા જણાવ્યું કે, મંગળવારે બપોરે સાંગલા, કુફરીમાં હળવી હિમવર્ષા થઇ છે.
છેલ્લા ૨૪ કલાકમાં તાપમાનનો પારો સામાન્ય કરતા નીચો રહ્યો છે. ઉનામાં સૌથી વધુ પારો ૨૦ ડિગ્રી અને લાહૌલ ખીણના કુકુમસેરીમાં માઇનસ ૧૨.૧ ડિગ્રી નોંધાયો હતો.
શિમલામાં તાપમાનનો પારો શૂન્યની નજીક પહોંચી ગયો છે. અહીં ૦.૩ ડિગ્રી નોંધાયું છે. તો વળી મનાલી સહિત આઠ વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન માઇનસમાં છે. મનાલીમાં માઇનસ ૩.૫ ડિગ્રી અને કલ્પામાં માઇનસ ૫.૩ ડિગ્રી નોંધાયું હતું.
મનાલીમાં સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. કુલ્લુ પોલીસના જણાવ્યા અનુસાર ભારે હિમવર્ષાને કારણે વાહનોને નેહરૂ કુંડ સુધી જવા દેવામાં આવી રહ્યા છે. તેનાથી આગળ સોલાંગ ખીણ સુધી માત્ર ૪x૪ વાહનોને જવા દેવામાં આવી રહ્યા છે. પોલીસે જણાવ્યું કે, અટલ ટનલ રોહતાંગ માટે ઇમરજન્સી વાહનોને મંજૂરી આપવામાં આવી છે.
હિમાચલ પ્રદેશમાં સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર ચાર રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને ૩૩૮ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ છે. સાથે ૧૨૩ પાવર ટ્રાન્સફોર્મર હજુ ઠપ્પ છે. શિમલા જિલ્લામાં ૫૯ રસ્તાઓ, લાહૌલ-સ્પીતિમાં ૧૫૧, મંડીમાં ૨8, કુલ્લુમાં ૫૦ અને ચંબામાં ૪૬ રસ્તાઓ હજુ બંધ છે. ધીમે ધીમે સ્થિતિ સામાન્ય થઇ રહી છે.