દિગ્વિજય સિંહના ભાઈ લક્ષ્મણ સિંહ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ: રાહુલ ગાંધી પર કર્યા હતા પ્રહારો | મુંબઈ સમાચાર
નેશનલ

દિગ્વિજય સિંહના ભાઈ લક્ષ્મણ સિંહ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ: રાહુલ ગાંધી પર કર્યા હતા પ્રહારો

ભોપાલ: મધ્યપ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અને હાલ કોંગ્રેસ રાજ્યસભા સાંસદ દિગ્વિજય સિંહના સગા ભાઈ લક્ષ્મણ સિંહ(Laxman Singh)ને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. પાર્ટી વિરોધી કામગીરી કરવા બદલ વિધાનસભ્ય રહી ચુકેલા લક્ષ્મણ સિંહને કોંગ્રેસે છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. છેલ્લા કેટલાક સમયથી તેમને બળવાખોર વલણ અપનાવ્યું હતું, તેમણે રાહુલ ગાંધી સામે નિવેદનો આપ્યા હતાં.

લક્ષ્મણ સિંહ અગાઉ ટૂંકા સમય માટે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સભ્ય પણ રહી ચુક્યા છે. 2023ની વિધાનસભા ચૂંટણીમાં ચાચૌડા વિધાનસભા બેઠક પર હાર મળ્યા બાદ તઓ કોંગ્રેસ પાર્ટી વિરોધી નિવેદનો આપી રહ્યા છે, તાજેતરમાં પણ તેમણે વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતાં. તેમણે આપેલા નિવેદનો સામે પાર્ટીએ સખત વાંધા ઉઠાવ્યા હતાં.

કોંગ્રેસ શિસ્ત સમિતિએ તાજેતરમાં લક્ષ્મણ સિંહને હટાવવાનો પ્રસ્તાવ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મોકલ્યો હતો.

આપ્યા હતાં પાર્ટી વિરોધી નિવેદનો:

લક્ષ્મણ સિંહે તાજેતરમાં જ પાર્ટીના વરિષ્ઠ નેતાઓની જાહેરમાં ટીકા કરી હતી અને વિવાદાસ્પદ ટિપ્પણીઓ પણ કરી હતી.

ગાંધી પરિવારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ ન લેવાથી માંડીને પહેલગામ આતંકવાદી હુમલા સુધીની દરેક બાબતમાં લક્ષ્મણ સિંહે પાર્ટીના વલણની ટીકા કરી હતી. હજુ સુધી, લક્ષ્મણ સિંહે તેમને પાર્ટીમથી કાઢી મુકવા અંગે પ્રતિક્રિયા આપી નથી.

પહેલગામ આતંકવાદી હુમલાના સંદર્ભમાં રાહુલ ગાંધી અને રોબર્ટ વાડ્રા પર ટિપ્પણી કરવા બદલ લક્ષ્મણ સિંહને કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, ‘ગાંધી અને વાડ્રા અપરિપક્વ છે. દેશ તેમની અપરિપક્વતાને કારણે પીડાઈ રહ્યો છે.’

આ પણ વાંચો -‏‏‎ ઈડીએ એક સાથે ત્રણ રાજ્યોના 24 સ્થળોએ દરોડા પાડ્યા! 2700 કરોડ રૂપિયાના કૌભાંડની આશંકા

તેમણે એમ પણ કહ્યું હતું કે રાહુલ ગાંધીએ કંઈ પણ બોલતા પહેલા વિચાર કરવો જોઈએ. ડિસેમ્બર 2023માં પણ લક્ષ્મણ સિંહે કહ્યું હતું કે રાહુલ ગાંધી ફક્ત એક પાર્ટી કાર્યકર અને સાંસદ છે, આ સિવાય, તેઓ કંઈ નથી. રાહુલ ગાંધીને વધુ મહત્વ ન આપવું જોઈએ.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button