
કોચી: ‘ઑપરેશન સિંદૂર’નો પ્રચાર કરતા ડેલિગેશનનું પ્રતિનિધિત્વ કરનાર કૉંગ્રેસી નેતા શશિ થરૂરને પાછલા સમયમાં ઘણી અટકળો ચાલી રહી છે. શશિ થરૂરના ઘણા નિવેદનોનો તેમના જ પક્ષના નેતાઓ સમર્થન આપી રહ્યા નથી. તેથી કૉંગ્રેસ અને શશિ થરૂર વચ્ચે મતભેદ હોવાની અટકળ પણ વહેતી થઈ હતી. પરંતુ તાજેતરમાં શશિ થરૂરે કહ્યું છે કે, સૌપ્રથમ મારી નિષ્ઠા રાષ્ટ્ર પ્રત્યે છે.
પક્ષ રાષ્ટ્રને સારું બનાવવાનું માધ્યમ છે
તાજેતરમાં શશિ થરૂરે કોચીની એક હાઈસ્કૂલમાં ‘શાંતિ, સદ્ભાવ અને રાષ્ટ્રીય વિકાસ’ વિષય પર ભાષણ આપ્યું હતું. ‘ઑપરેશન સિંદૂર’ના સંદર્ભે શશિ થરૂરે પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે, “તાજેતરમાં જે થયું, ત્યારબાદ મેં સશસ્ત્ર દળો અને આપણી સરકારનું સમર્થન કર્યું હતું. ઘણા લોકો મારા આ વલણને ટીકા કરે છે. હવે પક્ષોને આ અંગે અસહમત થવાનો સંપૂર્ણ અધિકાર છે.”
તેમણે આગળ જણાવ્યું કે, “હું જ્યારે ભારતની વાત કરૂ છું, ત્યારે તમામ ભારતીયોની વાત કરૂં છું. ન કે એવો લોકોની જેઓ મારા પક્ષને પસંદ કરે છે. આપણી પહેલી નિષ્ઠા કોના પ્રત્યે હોવી જોઈએ? મારા વિચારથી રાષ્ટ્ર સૌપ્રથમ છે. પક્ષ રાષ્ટ્રને વધારે સારું બનાવવાનું માધ્યમ છે. તમે કોઈ પણ પક્ષમાં હોવ, પક્ષનો ઉદેશ્ય પોતાની રીતે એક વધુ સારા ભારતનું નિર્માણ કરવાનો છે.”
“જો ભારત મરી ગયું તો કોણ બચશે?” પૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નહેરૂની આ પંક્તિ ઉચ્ચારતા થરૂરે તમામ પક્ષ અને લોકોને આગ્રહ કરતા કહ્યું કે, “જ્યારે દેશ સંકટમાં હોય, ત્યારે મતભેદોને એક તરફ મૂકી દેવા જોઈએ.”
ઉલ્લેખનીય છે કે, મીડિયા દ્વારા તેઓને કૉંગ્રેસ હાઈકમાન્ડની તેમના પ્રત્યેની નારાજગી અંગે પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. પરંતુ શશિ થરૂરે તેનો જવાબ આપવાનું ટાળતા જણાવ્યું હતું કે, “હું અહી રાજકારણ કે અન્ય સમસ્યા વિશે ચર્ચા કરવા આવ્યો નથી.”
આ પણ વાંચો…કેરળના મુખ્યપ્રધાન પદ માટે શશિ થરૂર સૌથી લોકપ્રિય ઉમેદવાર! સર્વેમાં ખુલાસો