શું પૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજેના પુત્ર દુષ્યંતના કહેવાથી બધા ધારા સભ્યો રિસોર્ટમાં આવ્યા હતા?
જયપુર: રાજસ્થાનમાં ચૂંટણી જીત્યા બાદ હજુ સુધી મુખ્ય પ્રધાનનું નામ નક્કી નથી થયું ત્યારે હમણાં જ પૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજે હાઈકમાન્ડને મળવા દિલ્હી પહોંચ્યા હતા તો બીજી બાજુ તેમના પુત્ર દુષ્યંતે રિસોર્ટ પોલિટિક્સ કર્યું હતું, ધારાસભ્ય લલિત મીણાના પિતા હેમરાજ મીણાનો આરોપ છે કે બધા ધારાસભ્ય દુષ્યંત સિંહના કહેવાથી રિસોર્ટમાં આવ્યા હતા.
લલિત મીણાના પિતા અને પૂર્વ ધારાસભ્ય હેમરાજ મીણાએ કહ્યું હતું કે મારા પુત્ર અને ઝાલાવાડ બાંરાના ધારાસભ્યોને વસુંધરા રાજેના પુત્ર દુષ્યંત સિંહ જયપુર લઈ ગયા હતા. સાંજે જ્યારે લલિત ઘરે પાછો ન આવ્યો ત્યારે મેં તેની સાથે વાત કરી. લલિત મીણાએ જણાવ્યું કે તેઓ સીકર રોડ પર એક રિસોર્ટમાં રોકાયેલા છે. હેમરાજનું કહેવું છે કે પાર્ટીના મહાસચિવ અરુણ સિંહ જ કહી શકશે કે શું આ પાર્ટીની શિસ્તની વિરુદ્ધ છે કે નહીં. બાકીના 6 ધારાસભ્યો ઝાલાવાડ-બાંરાના હોવાનું કહેવાય છે. આ તમામ ધારાસભ્યોને સીકર રોડ પરની એક હોટલમાં રાખવામાં આવ્યા હતા.
આ મામલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીપી જોશીએ કહ્યું હતું કે મારી પાસે હોટલ વિશે કોઇ માહિતી નથી આવી પરંતુ એ વાત સાચી છે કે હું મંગળવારે સાંજે લલિત મીણાના પિતાને મળ્યો હતો. કાર્યકર્તાઓ અને ધારાસભ્યો માટે પાર્ટી કાર્યાલય મંદિર જેવું છે, તેમને અહીં શ્રદ્ધા હોવી જોઈએ.
રાજસ્થાનમાં ભાજપની જીત બાદ પૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજે ‘પ્રેશર પોલિટિક્સ’ કરી રહ્યા છે. તેઓ ડીનર પર 20 થી વધુ ધારાસભ્યોને મળ્યા હતા. આ પછી વસુંધરા કેમ્પે દાવો કર્યો હતો કે તેમની પાસે 68 ધારાસભ્યોનું સમર્થન છે. આ સિવાય કેટલાક અપક્ષો પણ તેમની સાથે હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ માટે વસુંધરા જૂથ પોતાની તાકાતનું પ્રદર્શન કરી રહ્યું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું.
રાજ્યમાં સીએમ પદની રેસમાં ભાજપ તરફથી ઘણા ચહેરાઓ છે. વસુંધરા રાજે સિવાય આમાં પહેલું નામ બાલકનાથનું છે. આ યાદીમાં બીજું નામ જયપુરના રાજવી પરિવારની રાજકુમારી દિયા કુમારીનું છે. આ બંને લોકસભાના સભ્ય છે. આ ઉપરાંત કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવનું નામ પણ ચર્ચામાં છે.