
લદ્દાખના રાજકીય અને સામાજિક વાતાવરણમાં નવો વિવાદ ઉભો થયો છે. પર્યાવરણવાદી કાર્યકર્તા સોનમ વાંગચુકની રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (NSA) હેઠળ ધરપકડ થતા ચર્ચાઓએ જોર પકડ્યું છે.
લદ્દાખ પોલીસના ડીજીપી એસ.ડી.સિંહ જમવાલે વાંગચુક પર ગંભીર આરોપો લગાવ્યા છે, જેમા હિંસા ભડકાવવાનો અને વાતચીતની પ્રક્રિયાને નિષ્ફળ કરવાનો સમાવેશ થાય છે. આ ઘટનાએ લદ્દાખના તાજેતરના વિરોધ પ્રદર્શનોને નવું વળાંક આપ્યું છે.
લદ્દાખ પોલીસના ડીજીપી એસ.ડી. સિંહ જમવાલે એક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું કે 24 સપ્ટેમ્બરે કેન્દ્ર સરકાર સાથેની બેઠક પહેલા કેટલાક કથિત પર્યાવરણ કાર્યકર્તાઓના ભડકાઉ ભાષણોને કારણે હિંસા ભડકી હતી. તેમણે આરોપ લગાવ્યો કે સોનમ વાંગચુકે આ શાંતિ વર્તાને ખોરવવાનો પ્રયાસ કર્યો છે.
આ હિંસામાં લગભગ 5,000-6,000 લોકોએ સરકારી ઇમારતો અને રાજકીય પક્ષોની કચેરીઓ પર હુમલો કર્યો, જેમાં ચાર લોકોના મોત થયા અને અનેક નાગરિકો, પોલીસ અને અર્ધલશ્કરી દળોના જવાનો ઘાયલ થયા હતા.
ડીજીપી જમવાલે જણાવ્યું કે હિંસાના સંબંધમાં બે અન્ય વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમના સંભવિત વિદેશી સંબંધોની તપાસ ચાલી રહી છે. તેમણે વાંગચુકની પાકિસ્તાનની મુલાકાતો અને ઇસ્લામાબાદના અધિકારીઓ સાથેની કથિત વાતચીતનો ઉલ્લેખ કરીને આશંકા વ્યક્ત કરી કે આ ઘટનાઓ પાછળ પૂર્વ આયોજન હોઈ શકે છે.
જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે આ બાબતે હજુ નક્કર પુરાવા મળ્યા નથી. વધુ તણાવ રોકવા માટે કર્ફ્યુમાં બે તબક્કામાં ઢીલ આપવાની યોજના છે.
સોનમ વાંગચુકને રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (NSA) હેઠળ ધરપકડ કરીને જોધપુર સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે લેહમાં તાજેતરના વિરોધ પ્રદર્શનો બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી અને શુક્રવારે રાત્રે જોધપુર લઈ જવાયા હતા.
ડીજીપીએ ભારપૂર્વક જણાવ્યું કે આ ધરપકડ વધુ અશાંતિ રોકવા માટે જરૂરી હતી, અને તપાસમાં વાંગચુકની ભૂમિકા અને સંભવિત સાજિશની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે.
આ પણ વાંચો…સોનમ વાંગચુકને લેહથી રાજસ્થાનના જોધપુર ખસેડવામાં આવ્યા