
ભારતભરમાં વરસાદી માહોલ છવાયો છે. ચોમાસાની સિઝન પૂર્ણ થવા આવી છે. ત્યારે ઠેર ઠેર ભાર વરસાદ નોંધાઈ રહ્યો છે. ત્યારે પંજાબ હાલ 1988 પછીનુ સૌથી વિનાશકારી પૂરની સ્થિતિનો સામનો કરી રહ્યું છે. ભારે વરસાદ અને હિમાચલ પ્રદેશ તથા જમ્મુ-કાશ્મીરમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે રાજ્યની મુખ્ય નદીઓ જેમ કે સતલુજ, બ્યાસ અને રાવી ભયજનક સપાટી ઉપર વહી રહી છે. જેના કારણે રાજ્યમાં મોટા પાયે વિનાશ વેરાયો છે અને લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
અહેવાલો પ્રમાણે આ પૂરની સ્થિતિ અત્યાર સુધીમાં 37 લોકોએ જીવ ગુમાવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. આ ઉપરાંત 3.5 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. પંજાબના તમામ 23 જિલ્લાઓ પૂરની ઝપેટમાં આવી ગયા છે, જ્યારે 1,655 ગામો પાણીમાં ડૂબી ગયા છે. ખેતરોમાં ઊભા 1.48 લાખ હેક્ટરથી વધુ પાકનો વિનાશ થયો છે, તેમજ પશુઓનું પણ મોટું નુકસાન થયું છે. કેટલાક વિસ્તારોમાં ખેતરો તળાવ જેવા બની ગયા છે, જ્યાં પાણીની ઊંડાઈ 8થી 10 ફૂટ સુધી પહોંચી છે, અને ગ્રામજનો નાવડીઓની મદદથી આવન-જાવન કરવા મજબૂર બન્યા છે.
ગુરદાસપુર, પઠાનકોટ, ફાઝિલ્કા, કપૂરથલા, તરનતારન, ફિરોઝપુર, હોશિયારપુર અને અમૃતસર જેવા જિલ્લાઓ સૌથી વધુ પ્રભાવિત છે. વહીવટી તંત્રે અનેક રાહત શિબિરો સ્થાપિત કર્યા છે, પરંતુ ઘણા લોકો હજુ પણ તેમના ઘર અને પશુઓની નજીક છત કે ઊંચા મંચ પર રહીને સ્થિતિનો સામનો કરી રહ્યા છે.
મુખ્યમંત્રી ભગવંત માને ફિરોઝપુરના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને નુકસાનના મૂલ્યાંકન માટે વિશેષ ગિરદાવરી શરૂ કરી છે. તેમણે પ્રભાવિત પરિવારોને વળતર આપવાનું વચન આપ્યું છે અને કહ્યું કે, “જ્યારે દેશ મુશ્કેલીમાં હોય ત્યારે પંજાબ હંમેશા સાથે ઊભું રહ્યું છે, હવે દેશે પંજાબની મદદ કરવી જોઈએ.” આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ ગુરુવારે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે, જ્યારે અન્ય નેતાઓ પણ રાહત કાર્યોમાં જોડાયા છે.
પંજાબના કલાકારો જેમ કે સોનુ સુદ, દિલજીત દોસાંઝ, ગિપ્પી ગ્રેવાલ અને અન્યોએ મદદનો હાથ લંબાવ્યો છે. સરકારી એજન્સીઓ સાથે એનજીઓ અને શીખ સંસ્થાઓ રાહત અને બચાવ કાર્યમાં લાગી છે. રાજ્યમાં તમામ શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ 7 સપ્ટેમ્બર સુધી બંધ કરી દેવામાં આવી છે, જ્યારે ભાખડા ડેમમાં પાણીનું સ્તર 1677.84 ફૂટ સુધી પહોંચી ગયું છે, જે તેની મહત્તમ ક્ષમતા 1680 ફૂટની નજીક છે.
આ પણ વાંચો…પંજાબમાં વિનાશક પૂર: બોલીવૂડ અને પંજાબી સેલિબ્રિટીએ અસરગ્રસ્તો માટે કરી મદદની અપીલ…