
પંજાબની સ્થિતિ પાછલા ઘણા સમયથી કફોડી બની છે. રાજ્યમાં વર્ષ 1988 પછીનું સૌથી ભયાનક પૂર સામે ઝઝૂમી રહ્યું છે. હજારો પરિવારો ઉજ્જડી ગયા છે, લાખો એકરના પાકને મોટા પાયે નુકસાન થયું છે અને ખેડૂતો, મજૂરો તેમજ નાના વેપારીઓનું જીવન વિખરાઈ ગયા છે. આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું અને રાજ્ય માટે 1,600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી. જોકે, પંજાબની આમ આદમી પાર્ટી (AAP) સરકારે આ સહાયને લઈને કેન્દ્ર પર આકરા પ્રહાર કર્યા છે. આ સહાયને તેને પંજાબની જનતા સાથે ‘ક્રૂર મજાક’ અને ‘અપમાન’ ગણાવ્યું છે.
વડાપ્રધાન મોદીએ ગુરદાસપુર પહોંચીને પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વે કર્યું અને ત્યારબાદ રાહત પેકેજની જાહેરાત કરી. કેન્દ્ર તરફથી 1,600 કરોડ રૂપિયાની સહાય ઉપરાંત મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ગંભીર ઘાયલોને 50,000 રૂપિયાની અનુગ્રહ રકમ આપવાનું જાહેર કરાયું છે. જોકે, AAP સરકારનું કહેવું છે કે આ સહાય નામમાત્રની છે. મુખ્યમંત્રી ભગવંત માનની સરકારે અગાઉ કેન્દ્ર પાસેથી ઓછામાં ઓછા 20,000 કરોડ રૂપિયાના રાહત પેકેજની માંગ કરી હતી.
પંજાબના વિત્તમંત્રી હરપાલ સિંહ ચીમાએ વડાપ્રધાનની જાહેરાતને અપર્યાપ્ત અને અપમાનજનક ગણાવી છે. તેમણે કહ્યું કે, ‘વડાપ્રધાનની આ મુલાકાત માત્ર ફોટો-ઓપ હતી. અમારું રાજ્ય અભૂતપૂર્વ કુદરતી આફત સામે અઠવાડિયાઓથી લડી રહ્યું છે અને હવે જઈને આ નામમાત્રનું પેકેજ આપવામાં આવ્યું છે.’ તેમણે વધુમાં જણાવ્યું કે, અમારા કિસાનો, મજૂરો, ગરીબો, વેપાર અને માળખાકીય સુવિધાઓને થયેલું નુકસાન હજારો કરોડમાં છે અને કેન્દ્ર સરકારે માત્ર 1,600 કરોડ જ આપ્યા છે. ચીમાએ એમ પણ કહ્યું કે રાજ્ય સરકારે કિસાનોને એકરદીઠ 20,000 રૂપિયા અને મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયાનું વળતર જાહેર કર્યું છે.
વિત્તમંત્રી ચીમાએ કેન્દ્ર સરકાર પર પંજાબના બાકી પૈસા અટકાવી રાખવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, ‘અમારી લાંબા સમયથી માંગ છે કે કેન્દ્ર GST વળતર અને અન્ય બાકી 60,000 કરોડથી વધુની રકમ જાહેર કરે. મુખ્યમંત્રી ભગવંત માને વડાપ્રધાનને પત્ર પણ લખ્યો છે, પરંતુ તેનો કોઈ જવાબ મળ્યો નથી. જરૂરી સહાય આપવાના બદલે કેન્દ્ર માનવીય સંકટનું રાજકીયકરણ કરી રહ્યું છે.’ તેમણે એમ પણ કહ્યું કે, દેશના દરેક સંકટમાં પંજાબની જનતાએ સાથ આપ્યો છે અને હવે અમારી જરૂરિયાત વખતે કેન્દ્ર અમારી સાથે ઊભું રહે તેવી અપેક્ષા છે.
કેબિનેટ મંત્રી અને AAP પ્રદેશ અધ્યક્ષ અમન અરોરાએ વડાપ્રધાનની જાહેરાતને વધુ તીખા શબ્દોમાં નકારી છે. તેમણે કહ્યું કે, ‘વડાપ્રધાન આવ્યા, જોયું અને નામમાત્રની સહાય આપીને ચાલ્યા ગયા. પંજાબની જનતાના ઘર, પાક, પશુધન બધું વહી ગયું છે. કેન્દ્રની પ્રતિક્રિયા અપર્યાપ્ત તો છે જ પરંતુ તે સ્પષ્ટ અપમાન છે. 1,600 કરોડ એ દરેક નાગરિકના ચહેરા પર તમાચો છે જેણે બધું ગુમાવ્યું છે.’ અરોરાએ જણાવ્યું કે કુલ 4.80 લાખ એકર કૃષિ જમીન પ્રભાવિત થઈ છે, જેમાં સૌથી વધુ નુકસાન ઘઉંના પાકને થયું છે. તેમણે કહ્યું કે, ‘પંજાબની આત્મા એટલે અમારી ખેતી-બાડી તૂટી ગઈ છે. પાક કાપણીથી માત્ર 15-20 દિવસ પહેલા તબાહ થઈ ગયા છે. હવે ફરી વાવણીનો કોઈ અવસર નથી. કિસાનોની આખી સીઝનની આવક ખતમ થઈ ગઈ છે.’
કેબિનેટ મંત્રી હરદીપ સિંહ મુન્ડિયા, ગુરમીત સિંહ ખુડિયાન, હરભજન સિંહ, બરિન્દર કુમાર ગોયલ, લાલ ચંદ કટારુચક અને લલજીત સિંહ ભુલ્લરે પણ કેન્દ્ર સરકારના રાહત પેકેજની આલોચના કરી છે. તેમનું કહેવું છે કે આ ‘નગણ્ય’ છે અને ‘દાઝ્યા પર મીઠું છાંટવા જેવું’ છે. તેમણે કહ્યું કે, ‘આ માત્ર ઔપચારિકતા છે અને તે લાખો લોકો સાથે અપમાન છે, જેણે પંજાબના સૌથી ભયાનક પૂરમાં પોતાના ઘર, આજીવિકા અને પાક ગુમાવ્યા છે.’
આ પણ વાંચો….પંજાબ સરકારની પૂર પીડિત ખેડૂતો માટે મોટી જાહેરાત: ભગવંત માન હોસ્પિટલમાંથી કેબિનેટ બેઠકમાં જોડાયા