નેશનલ

ભારતના સખત વિરોધ છતાં IMF પાકિસ્તાનને ભંડોળ આપવા પર અડગ! શું છે IMFનો જવાબ?

નવી દિલ્હી: પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવ દરમિયાન એક મહત્વના સમાચાર આવ્યા હતાં. ભારતના તાજેતરના સખત વિરોધ છતાં ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ(IMF)એ પાકિસ્તાન માટે આપેલા 1 બિલિયન ડોલરનું બેલઆઉટ પેકેજ મંજુર (IMF approved bailout package to Pak) કર્યું હતું, જેની સામે ભારતે સખત વાંધો ઉઠાવ્યો હતો. હવે IMFએ એક નિવેદન બહાર પાડીને પાકિસ્તાનને આપવામાં આવેલા બેલઆઉટ પેકેજને યોગ્ય ઠેરવ્યું છે. નિવેદન અનુસાર, પાકિસ્તાને નવી લોન હપ્તો મેળવવા માટે બધા જરૂરી ટાર્ગેટ્સ પૂર્ણ કર્યા હતાં.

IMF તરફથી પાકિસ્તાનને તાજેતરમાં આપવામાં આવેલી લોન સહાય પેકેજના ભાગ રૂપે આપવામાં આવી છે. સપ્ટેમ્બર 2024 માં મંજૂર કરાયેલા એક્સ્ટેન્ડેડ ફંડ ફેસીલીટી (EFF) પ્રોગ્રામ હેઠળ, પાકિસ્તાનને લગભગ $2.1 બિલિયન આપવાના છે. ગયા વર્ષે IMF અને પાકિસ્તાને EFF હેઠળ $7 બિલિયનના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

પાકિસ્તાને ટાર્ગેટ્સ પૂર્ણ કર્યા:

એક પ્રેસ બ્રીફિંગમાં IMF ના કોમ્યુનિકેશન વિભાગના ડિરેક્ટર જુલી કોઝેકે પાકિસ્તાનને આપવામાં આવેલી લોનને યોગ્ય ઠેરવી અને જણાવ્યું કે પાકિસ્તાને તેના તમામ ટાર્ગેટ્સ પૂર્ણ કર્યા છે.

જુલી કોઝેકે પત્રકારોને જણાવ્યું. “અમારા બોર્ડને જાણવા મળ્યું કે પાકિસ્તાને ખરેખર બધા ટાર્ગેટ્સ પૂર્ણ કર્યા છે. પાકિસ્તાને કેટલાક સુધારાઓ પર પ્રગતિ કરી છે, અને તે કારણોને આધારે બોર્ડ આગળ વધ્યું અને પ્રોગ્રામને મંજૂરી આપી.”

જુલી કોઝેકે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષ અંગે પણ વાત કરી હતી અને બંને દેશો વચ્ચે શાંતિપૂર્ણ ઉકેલની આશા વ્યક્ત કરી હતી.

11 શરતો આધારે પાકિસ્તાનને લોન:

ભારત સાથે વધતા તણાવ વચ્ચે, IMF એ 11 નવી શરતો આધારે પાકિસ્તાનને લોન આપી હતી. અહેવાલો અનુસાર, આ શરતોમાં સંસદીય મંજૂરી, વીજળીમાં દેવાની ચુકવણી સરચાર્જમાં વધારો, આયાત પરના નિયંત્રણો હટાવવા અને અન્ય શરતોનો સમાવેશ થાય છે.

ભારતનો વિરોધ:

ગયા અઠવાડિયે, ભારતે ફરી એકવાર IMF ને પાકિસ્તાનને આપેલા બેલઆઉટ પેકેજ પર પુનર્વિચાર કરવા અનુરોધ કર્યો હતો. ભારતે દલીલ કરી હતી કે પાકિસ્તાન IMFએ આપેલા નાણાંનો ઉપયોગ સરહદ પાર આતંકવાદને પોષવા માટે કરે છે. ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે IMF દ્વારા પાકિસ્તાનને આપવામાં આવતી સહાય પરોક્ષ રીતે આતંકવાદને ભંડોળ આપવા જેવું છે.

આ પણ વાંચો…ભારતના વિરાધ છતાં IMF એ પાકિસ્તાનની લોન મંજૂર કરી…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button