
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં કાળજું કંપાવી દે તેવી ઘટના બની છે. એક બેકાબુ ઓડી કાર મજુરી કામ કરીને રાત્રે ફૂટપાથ પર સુઈ રહેલા પાંચ કામદારો પર ફરી (Audi car killed 5 in Delhi) વળી. આ 9 જુલાઈની રાત્રે લગભગ 1:45 વાગ્યે શિવ કેમ્પ નજીક બની હતી, મૃતકોમાં એક આઠ વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે. અહેવાલ મુજબ ચાલક દારૂના નશામાં કાર ચલાવી રહ્યો હતો.
પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ કાર ચાલકને ઘટનાસ્થળે જ પકડાઈ પાડવામાં આવ્યો હતો, તેની ઓળખ 40 વર્ષીય ઉત્સવ શેખર તરીકે થઈ છે. એક અહેવાલ મુજબ પ્રાથમિક પોલીસ તપાસમાં પુષ્ટિ થઇ છે કે ઘટના સમયે તે દારૂના નશામાં હતો.
મૂળ રાજસ્થાનના 5 લોકોના મોત:
પોલીસ અધિકારીઓએ આપેલી જાણકરી મુજબ તમામ મૃતકો રાજસ્થાનના રહેવાસી હતાં અને દિલ્હીમાં મજૂરી કામ કરીને ગુજરાન ચલાવી રહ્યા હતાં. મૃતકોની ઓળખ સબામી ઉર્ફે ચિરમા (45), તેની પત્ની લાધી (40), તેની પુત્રી બિમલા (8), રામ ચંદ્ર (45) અને તેની પત્ની નારાયણી (35) તરીકે થઈ છે
લોકોમાં રોષની લાગણી:
ઘટના સમયે સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું કે લોકો ફૂટપાથ પર સૂઈ રહ્યા હતા, એક સફેદ ઓડી કાર બેકાબુ થઇને આવી અને તેમને કચડી નાખ્યા હતા. આ ઘટના બાદ ફૂટપાથ પર સુવા મજબૂર ગરીબ લોકો ઉપરાંત ફૂટપાથ પર ચાલતા લોકોની સુરક્ષા સામે સવાલ ઉભા થયા છે. ઘટના પગલે લોકોમાં રોષની લાગણી છે, કેમ કે ભૂતકાળમાં અનેક ઘટનામાં લકઝરી કારે સામાન્ય વર્ગના લોકોના જીવ લીધા છે, ત્યારે વાહનોની સ્પીડ કંટ્રોલ પર પોલીસ અને સરકાર કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.
પોલીસ આ કેસની તપાસ કરી રહી છે અને કાર જપ્ત કરવામાં આવી છે. વિવિધ કલમો હેઠળ કેસ નોંધીને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.