દિલ્હીમાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિને મોતને ઘાટ ઉતાર્યોઃ ઈન્સ્ટાગ્રામના મેસેજથી ખુલાસો

નવી દિલ્હીઃ દિલ્હીના ઉત્તમ નગર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની હતી, જ્યાં એક મહિલાએ તેના પ્રેમી સાથે મળીને તેના પતિની હત્યા કરી દીધી. આ ભયાનક કાવતરાનો ખુલાસો પોલીસને મળેલા મહિલા અને તેના પ્રેમી વચ્ચેના 90થી વધુ ઇન્સ્ટાગ્રામ મેસેજથી થયો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે મહિલા સુષ્મિતા છેલ્લા ઘણા અઠવાડિયાથી તેના પતિ કરણ (36) ની હત્યાનું કાવતરું ઘડી રહી હતી.
પોલીસ એ વાતની પણ તપાસ કરી રહી છે કે શું મહિલાએ પોતાના કાવતરાને છૂપાવવવા માટે ઈન્સ્ટાગ્રામ પર કોઈ મેસેજ ડિલિટ કર્યા છે, કારણ કે તેણી છેલ્લા બે વર્ષથી તેના પ્રેમી સાથે સંબંધમાં હતી. કરણ (36)ને તેની પત્ની સુષ્મિતા અને તેનો દિયર અને પ્રેમી રાહુલ દ્વારા નશીલો પદાર્થ આપીને અને વીજળીનો કરંટ લગાવીને માર મારવામાં આવ્યો હોવાનો આરોપ છે.
કરણના ભાઈ કુણાલ દેવે ગંભીર આરોપો લગાવ્યા હતા અને મીડિયાને જણાવ્યું હતું કે રાહુલે એક ઇલેક્ટ્રિક વાયર ગોઠવ્યો હતો અને તેનો ઉપયોગ કરણના હાથ અને છાતી અને હાર્ટ પાસે અનેક ઇલેક્ટ્રિક શોક આપવા માટે કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: નાગપુરમાં પત્ની સાથે વિવાદ થયા બાદ પતિએ સસરાને મોતને ઘાટ ઉતારી દીધો
13 જુલાઈના રોજ કરણનું મોત થયું, જ્યારે તેને માતા રૂપરાણી મેગ્ગો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, ત્યારે ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો અને મૃત્યુનું કારણ ઇલેક્ટ્રિક શોક હોવાનું જણાવાયું હતું. કરણના ભાઈએ સુષ્મિતા અને તેના પ્રેમી રાહુલ (જે કરણના કાકાનો દીકરો છે) વચ્ચે ચાલી રહેલી વાતચીત વાંચી ત્યારે પોલીસને શંકા ગઈ હતી. તેમાં હત્યાનું કાવતરું સ્પષ્ટ દેખાતું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર, સુષ્મિતાએ પહેલા કરણના ભોજનમાં લગભગ 15 ઊંઘની ગોળીઓ ભેળવી દીધી જેથી તે બેભાન થઈ જાય અને મૃત્યુ પામે. જ્યારે ઊંઘની ગોળીઓની અસર ના થઈ ત્યારે તેણે રાહુલને મેસેજ કર્યો, ‘મેં ઘણી બધી ગોળીઓ આપી છે, છતાં કંઈ થઈ રહ્યું નથી. હવે ઇલેક્ટ્રિક શોક આપવો પડશે.’ આના જવાબમાં રાહુલે લખ્યું હતું કે, ‘તેના હાથ-પગ ટેપથી બાંધી દે, પછી ઇલેક્ટ્રિક શોક આપજે.
આ પણ વાંચો: દીકરી પ્રેમી જોડે ભાગી ગઈ! પરિવારે વેર રાખીને યુવકના પિતાને મોતને ઘાટ ઉતાર્યો…
આ પછી બંનેએ સાથે મળીને કરણને ઇલેક્ટ્રિક શોક આપીને મારી નાખ્યો. હત્યા પછી સુષ્મિતા દોડતી પોતાના સાસરિયાના ઘરે પહોંચી હતી અને કહ્યું કે કરણ અચાનક નીચે પડી ગયો છે. પરિવારના લોકો કરણને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે બંનેએ અગાઉ પણ કરણને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો.
ઇન્સ્ટાગ્રામ પરના તેના જૂના મેસેજ પરથી જાણવા મળે છે કે તે અલગ અલગ રીતે હત્યાનું આયોજન કરી રહ્યા હતા અને કરણની હત્યા કેવી રીતે થઈ શકે તે અંગે વાતચીત કરી રહ્યા હતા. હાલમાં બંને આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે અને તેમની સામે હત્યા અને ગુનાહિત કાવતરું હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસની તપાસ ચાલી રહી છે અને ફોરેન્સિક રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.