દિલ્હી સહિત 27 રાજ્યોમાં રહેશે વરસાદી માહોલ! આ રાજ્યમાં હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ | મુંબઈ સમાચાર
નેશનલ

દિલ્હી સહિત 27 રાજ્યોમાં રહેશે વરસાદી માહોલ! આ રાજ્યમાં હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ

નવી દિલ્હીઃ ભારતના અનેક રાજ્યોમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઉત્તરના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે. જેના કારણે અત્યારે પંજાબમાં ભયાનક પૂર આવ્યું છે. જેમાં 45થી પણ વધારો લોકોના મોત થયાં છે. પંજાબ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં અતિભારે વરસાદના કારણે જનજીવન ખોરવાયું છે, અને જાનમાલને પણ બહોળા પ્રમાણમાં નુકસાન થયું છે. તેવામાં હવે હવામાન વિભાગે 27 રાજ્યોમાં આગામી 6 દિવસ વરસાદની આગાહી કરી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી છ દિવસ એટલે કે 11 સપ્ટેમ્બર સુધીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજસ્થાન અને ગુજરાતમાં પણ વાવાઝોડા સાથે વરસાદ થશે

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. આગાહી પ્રમાણે 7મી સપ્ટેમ્બરે સવારે દક્ષિણ રાજસ્થાન અને ગુજરાતમાં પણ વાવાઝોડા સાથે વરસાદ ખાબકી શકે છે. કારણ કે, અરબ સાગર અને નજીકના ગુજરાત દરિયાકાંઠે ઉપરના પવનોનું ચક્રવાતી પરિભ્રમણ થઈ રહ્યું છે. જેથી ગુજરાતમાં પણ અતિભારે વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં અત્યારે ભારે વરસાદ આવ્યો છે. આ સાથે સાબરકાંઠા અને બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ગુજરાતમાં એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય, ત્રણ જીલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ…

ઉત્તર ભારતમાં આવશે ભારેથી અતિભારે વરસાદ

ઉત્તર ભારતમાં આગામી 6 દિવસ સુધી અનેક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે તારીક 6થી 8 સપ્ટેમ્બરે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ થશે તેવી આગાહી ચે. જ્યારે 6 સપ્ટેમ્બર અને 7 સપ્ટેમ્બરે રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આગામી 6થી 7 સપ્ટેમ્બરે ઉત્તરાખંડમાં, 6થી 7 સપ્ટેમ્બરે હિમાચલ પ્રદેશ અને 8થી 10 સપ્ટેમ્બર દરમિયાન હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે સાથે 10 સપ્ટેમ્બરે રાજસ્થાન અને પંજાબમાં ભારે વરસાદ થવાનો છે. આગામી 7 અને 8 સપ્ટેમ્બરે ગોવા અને મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદ થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button