સતત બીજા દિવસે ધ્રુજ્યું દિલ્હી: સાંજે આવેલા 3.7ની તીવ્રતાના ભૂકંપથી લોકોમાં ગભરાટ

નવી દિલ્હી: દિલ્હી એનસીઆર વિસ્તારમાં કેટલીક એક્ટિવ ફોલ્ટ લાઈનો આવેલી છે. જેમાં સમયાંતરે હિલચાલ થતી રહે છે. જેથી આ વિસ્તારમાં ભૂકંપ આવવાની શક્યતા રહે છે. આજે પણ સાંજના સમયે દિલ્હીમાં ભૂકંપ આવ્યો હતો.
દિલ્હીમાં 3.7ની તીવ્રતાનો ભુકંપ
શુક્રવારની સાંજે 7:49:43 વાગ્યે દિલ્હીમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. દિલ્હીમાં ભૂકંપના આંચકા અનુભવાતા જ ગભરાટ ફેલાઈ ગયો અને લોકો ખુલ્લી જગ્યાઓમાં ભેગા થઈ ગયા. લોકો પોતાના ઘરની બહાર દોડી ગયા, ઘણા તો ખુલ્લા પગે પણ ઘરની બહાર નીકળી ગયા હતા.
હરિયાણાના ઝજ્જરમાં ભૂકંપનું કેન્દ્ર
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યાનુસાર, ભૂકંપનું કેન્દ્ર હરિયાણાનું ઝજ્જર હતું. ભૂકંપની ઊંડાઈ 10 કિલોમીટર માપવામાં આવી હતી. દિલ્હીમાં સતત બીજા દિવસે ભૂકંપ આવ્યો. ગઈકાલે એટલે કે 10 જુલાઈને ગુરુવારની સવારે 9:04 વાગ્યે 4.4ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપનું કેન્દ્ર પણ ઝજ્જર હતું. નિષ્ણાતોનો મતાનુસાર ઝજ્જર વિસ્તારમાં પણ કેટલીક એક્ટિવ ફોલ્ટ લાઈન આવેલી છે.
આપણ વાંચો: ઓડિશામાંથી 40,000 મહિલા ગુમ: રાહુલ ગાંધીનો દાવો, સરકાર પર આકરા પ્રહાર
દિલ્હી અને હરિયાણાના વિસ્તારમાં ભૂકંપ
મીડિયા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગુરુવારે રોહતક અને ગુરુગ્રામ જિલ્લાઓ, પાણીપત, હિસાર અને મેરઠમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જૂન મહિનામાં ગુજરાતના સૌરાષ્ટ્ર પંથકના કેટલાક જિલ્લાઓમાં પણ ભૂકંપના આચકા અનુભવાયા હતા.