Delhi Stampede:રેલ્વે સ્ટેશન દુર્ઘટનાનો કેસ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, કરવામાં આવી આ માંગ

નવી દિલ્હી : નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડની (Delhi Stampade)દુર્ઘટનાના 18 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનાની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. જોકે, આ દુર્ઘટનાનો કેસ હવે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. જેમાં આવા અકસ્માતોને રોકવા માટે એક નિષ્ણાત સમિતિની રચના કરવાની માંગ કરવામાં આવી છે.
ક્રાઉડ મેનેજમેન્ટ સિસ્ટમ લાગુ કરવા વિનંતી
આ અંગે અરજદાર એડવોકેટ વિશાલ તિવારીએ કોર્ટને રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (NDMA) ના 2014 ના અહેવાલ મુજબ કાર્યક્રમો અને સમૂહ મેળાવડાના સ્થળોએ ક્રાઉડ મેનેજમેન્ટ સિસ્ટમ લાગુ કરવા વિનંતી કરી છે.
આપણ વાંચો: નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડથી થયેલા મૃત્યુથી દુઃખી…: પીએમ મોદીએ વ્યક્ત કર્યો શોક
રેલ્વે સ્ટેશનો પર સલામતીના પગલાંમાં સુધારો કરવા પણ જણાવવામાં આવ્યું છે. જેમાં કોરિડોર પહોળા કરવા, મોટા ઓવરબ્રિજ અને પ્લેટફોર્મનું નિર્માણ, રેમ્પ અને એસ્કેલેટર પૂરા પાડવા, છેલ્લી ઘડીના પ્લેટફોર્મ ફેરફારો ટાળવા અને સ્ટેશનની ક્ષમતા કરતાં વધુ ટિકિટનું વિતરણ ન કરવા લાગુ કરવા અરજી કરી છે.
પ્લેટફોર્મમાં છેલ્લી ઘડીએ ફેરફાર કરાયો
આ અરજીના અરજદારે જણાવ્યું હતું કે, પ્રયાગરાજ જતી ટ્રેનના પ્રસ્થાન પ્લેટફોર્મમાં છેલ્લી ઘડીએ ફેરફાર થવાને કારણે આ અકસ્માત થયો હતો. આ દરમિયાન ભીડ બેકાબૂ થઈ ગઈ જેના કારણે નાસભાગ મચી ગઈ.
આપણ વાંચો: જાગ્યા ત્યારથી સવાર, મોડે મોડે પણ દિલ્હી રેલવે સ્ટેશન પર ભીડ નિયંત્રણ માટે વ્યવસ્થા કરાઇ
તેમણે એમ પણ કહ્યું કે રેલ્વે સ્ટેશનો પર આવી ઘટનાઓ પહેલા પણ બની છે. જોકે, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. તેમણે કહ્યું કે અચાનક ભીડને કાબુમાં લેવા માટે ચાર ખાસ ટ્રેનો ચલાવવામાં આવી હતી અને હવે પરિસ્થિતિ નિયંત્રણમાં છે.
એસ્કેલેટર પાસે ભાગદોડ થઇ હતી
આ ઉપરાંત આ ઘટના રાત્રે 9:55 વાગ્યે બની હતી. જ્યારે હજારો શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ જવા માટે સ્ટેશન પર હાજર હતા. સ્વતંત્ર સેનાની એક્સપ્રેસ અને ભુવનેશ્વર રાજધાની એક્સપ્રેસના મોડા પડવાથી પણ ભીડ વધી હતી.
તેમજ દર કલાકે 1500 જનરલ ટિકિટ વેચાઈ રહી હતી. જેના કારણે ભીડ વધતી જતી હતી. પ્લેટફોર્મ નંબર 14 અને 16 વચ્ચે એસ્કેલેટર પાસે ભાગદોડ થઇ હતી.