સ્પાઇસજેટની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, દિલ્હી-શ્રીનગર ફ્લાઈટનું ઇમર્જન્સી લેન્ડિંગ…

શ્રીનગર: વિમાનની મુસાફરી આજકાલ મુશ્કેલ બની રહી છે. છેલ્લા ત્રણ મહિનાથી વિવિધ એરલાઈન્સના વિમાનમાં ખામીઓ આવવાના કિસ્સાઓ વધી રહ્યા છે.
આજે દિલ્હીથી શ્રીનગર જઈ રહેલી સ્પાઇસજેટની ફ્લાઈટને શ્રીનગર એરપોર્ટ પર ઇમર્જન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. વિમાનમાં કેબિન પ્રેશર સંબંધિત ચેતવણી મળ્યા બાદ પાઇલટે આ નિર્ણય લીધો હતો.
ફ્લાઈટ ઝડપથી નીચે ઉતરવા લાગી
દિલ્હીથી ઉડાન ભરેલી સ્પાઇસજેટની ફ્લાઇટ SG-385 અચાનક ઝડપથી નીચે ઉતરવા લાગી હતી. કેબિનમાં હવાનું દબાણ ઘટવાને કારણે ‘કેબિન પ્રેશર’ની ચેતવણી વાગી હતી.
પાઇલટે પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને શ્રીનગર એરપોર્ટ પરથી પ્રાયોરિટી લેન્ડિંગ માટે પરવાનગી માંગી અને બપોરે 3:27 વાગ્યે વિમાનને સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યું હતું.
ફ્લાઈટમાં સવાર તમામ સુરક્ષિત
ફ્લાઇટમાં 4 બાળક સહિત કુલ 205 મુસાફર અને 7 ક્રૂ સભ્યો હતા. જેઓ સુરક્ષિત છે. કોઈ પણ મુસાફરને ઈજા થઈ નથી કે તબીબી સહાયની જરૂર પડી નથી. સ્પાઇસજેટે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે ફ્લાઇટને એપ્રોચ દરમિયાન કેબિન અલ્ટીટ્યુડની ચેતવણી મળી હતી.ત્યાર બાદ વિમાન ઝડપથી નીચે ઉતરી આવ્યું હતું. સાવચેતીના ભાગરૂપે પ્રાયોરિટી લેન્ડિંગની વિનંતી કરવામાં આવી હતી.
કેબિન અલ્ટીટ્યુડ વોર્નિંગ શું છે?
જ્યારે વિમાનના કેબિનની અંદર હવાનું દબાણ ઓછું થઈ જાય છે, ત્યારે કેબિન અલ્ટીટ્યુડ વોર્નિંગ જાહેર કરવામાં આવે છે. સામાન્ય રીતે વોર્નિંગ બાદ વિમાનમાં ઓક્સીજન માસ્ક લગાવી દેવામાં આવે છે. જોકે, અલ્ટીટ્યુડ વોર્નિંગના સંજોગોમાં જલ્દી વિમાનની નીચે ઉતરી જવાનું હોય છે.
આ પણ વાંચો…મુંબઈ જતા એક વિમાનમાં આવી ટેકનિકલ ખામી! પાયલોટે બચાવ્યો 48 લોકોનો જીવ…