સંસદની સુરક્ષાભંગ કરનાર આરોપીઓને ગુજરાત લાવી રહી છે દિલ્હી સ્પેશિયલ સેલ, જાણો કેમ?
નવી દિલ્હી: 13મી ડિસેમ્બરના રોજ સંસદમાં સુરક્ષા ભંગ કરનાર આરોપીઓ હાલ દિલ્હી પોલીસના સકંજામાં છે. સંસદમાં ઘૂસણખોરી કરવા પાછળ તેમનો હેતુ શું હતો તેમજ સુરક્ષા વ્યવસ્થામાં ક્યાં ખામી રહી ગઇ તે અંગે પણ દિલ્હી પોલીસ તપાસ કરી રહી છે, હવે તમામ પકડાયેલા આરોપીઓને પોલીસ ગુજરાત લાવી રહી છે, જેથી તેમના નાર્કો તથા પોલીગ્રાફ ટેસ્ટ થઇ શકે.
ગુજરાતમાં જ નાર્કો અને પોલીગ્રાફ ટેસ્ટ કરવાનું કારણ એ છે કે ગાંધીનગરની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં ટેસ્ટ કરીને દિલ્હી પોલીસને તાત્કાલિક મદદરૂપ થઇ શકાય. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આરોપીઓ લલિત ઝા, મહેશ કુમાવત અને અમોલ શિંદેનો પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે, જ્યારે સાગર શર્મા અને મનોરંજન ડીના પોલીગ્રાફ ટેસ્ટ, નાર્કો એનાલિસિસ અને બ્રેઈન મેપિંગ કરવામાં આવી રહ્યા છે. અપેક્ષિત છે કે શુક્રવાર સુધીમાં તમામ ટેસ્ટ પૂર્ણ થઈ જશે.
અગાઉ આ તમામ આરોપીઓના સાયકો એનાલિસિસ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. દિલ્હી પોલીસે જ્યારે તેમને પહેલીવાર કસ્ટડીમાં લઇને પૂછપરછ શરૂ કરી હતી ત્યારે લલિતે કબૂલાત કરી હતી કે અસલી માસ્ટરમાઇન્ડ મનોરંજન છે, જે ફંડિગ માટે સતત પ્રયાસ કરી રહ્યો છે અને તેનો હેતુ એક મોટું સંગઠન તૈયાર કરવાનો છે. આ ઉપરાંત સાગર શર્માને બ્રેઈન વોશિંગ અને યુવાનોની ભરતીની જવાબદારી સોંપવામાં આવી હતી.
પોલીસ પૂછપરછ દરમિયાન તેણે કહ્યું હતું કે,”અમને લાગ્યું હતું કે જામીન પર બહાર આવ્યા બાદ અમે જલ્દી જ પબ્લિક ફીગર-સેલેબ્રિટી બની જઈશું. સમાજને સંદેશ આપીશું. જામીન પર બહાર આવી જઇએ એ પછી, એક મોટા ભંડોળ સાથે ભવિષ્યમાં કોઇ મોટું પ્લાનિંગ કરીશું.” લલિતે ખુલાસો કર્યો હતો કે તેને ખ્યાલ P નહોતો કે આ પ્રવૃત્તિ માટે તેના પર UAPA લાદવામાં આવશે. આ જ કારણ છે કે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ મનોરંજન અને સાગર શર્માના બ્રેઈન મેપિંગ અને નાર્કો પાસેથી સત્ય જાણવા માંગે છે.