‘રમખાણોનો હેતુ સત્તા પરિવર્તન’: ઉમર ખાલિદની જામીન અરજીને લઈને દિલ્હી પોલીસની સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ

નવી દિલ્હી: ફેબ્રુઆરી 2020માં થયેલી દિલ્હી રમખાણોના ઉમર ખાલિદ, શરજીલ ઇમામ અને અન્ય આરોપીઓ છેલ્લા 5 વર્ષથી જેલમાં છે. આ આરોપીઓએ તાજેતરમાં પોતાના જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.
જોકે, સુપ્રીમ કોર્ટે આ અરજીની સુનાવણી કરી નથી. પરંતુ દિલ્હી પોલીસે આરોપીઓની જામીન અરજીનો વિરોધ કરતી એફિડેવિટ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે. આવો જાણીએ દિલ્હી પોલીસે પોતાની એફિડેવિટમાં શું કહ્યું છે.
આપણ વાંચો: દિલ્હી રમખાણો 2020: શરજીલ ઇમામ અને ઉમર ખાલિદ સહિત 9 આરોપીઓની જામીન અરજી દિલ્હી હાઈ કોર્ટે ફગાવી
દિલ્હી રમખાણો પૂર્વ-આયોજિત હતી
દિલ્હી પોલીસે 2020ના દિલ્હી રમખાણોના કેસમાં આરોપી ઉમર ખાલિદની જામીન અરજીનો વિરોધ કરતી એફિડેવિટ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે. દિલ્હી પોલીસે પોતાના સોગંદનામામાં મોટો દાવો કર્યો છે કે, આ હિંસા ફક્ત વિરોધ પ્રદર્શન નહીં પણ ‘સત્તા પરિવર્તન’ના ઉદ્દેશ્યથી રચવામાં આવેલું એક વ્યવસ્થિત કાવતરું હતું.
એફિડેવિટમાં દિલ્હી પોલીસે જણાવ્યું છે કે, દિલ્હી રમખાણો પૂર્વ-આયોજિત હતી. આરોપીઓ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત દરમિયાન રમખાણો ભડકાવીને વૈશ્વિક સ્તરે ભારતની છબી ખરાબ કરવા માંગતા હતા. તેમની ચેટ્સમાં કરાયેલો ડૉનાલ્ડ ટ્રમ્પનો ઉલ્લેખ આ વાતનો પુરાવો આપે છે.
આપણ વાંચો: દિલ્હી હિંસાઃ ઉમર ખાલિદ નવું વર્ષ જેલની બહાર ઉજવશે, વચગાળાના જામીન મળ્યા…
ઉમર ખાલિદ, શરજીલ ઇમામ અને અન્ય આરોપીઓની જામીન અરજીઓ પર સુપ્રીમ કોર્ટ 31 ઓક્ટોબરના રોજ સુનાવણી કરશે. જોકે, દિલ્હી પોલીસની એફિડેવિટને લઈને આરોપીઓની અરજી નબળી પડી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ત્રણ મહિના પહેલા ફેબ્રુઆરી 2020માં થયેલી દિલ્હી રમખાણોના આરોપીઓએ દિલ્હી હાઈ કોર્ટમાં પોતાની જામીન અરજી દાખલ કરી હતી. સપ્ટેમ્બર 2025માં આ અરજીને દિલ્હી હાઈ કોર્ટે ફગાવી હતી. તેથી આરોપીઓએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે.
દિલ્હીમાં કેવી રીતે થઈ હતી રમખાણો
ફેબ્રુઆરી 2020માં દિલ્હી ખાતે નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં આંદોલનકારીઓ પ્રદર્શન કરી રહ્યા હતા. એ સમયે કેટલાક કારણોસર શહેરમાં અનેક સ્થળોએ રમખાણો શરૂ થઈ ગઈ હતી. આ રમખાણોમાં હિંદુ અને મુસ્લિમ મળીને કુલ 53 લોકોના મૃત્યુ થયા હતા. આ રમખાણોના કાવતરાને લઈને શરજીલ ઇમામ અને ઉમર ખાલિદની UAPA હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.
 
 
 
 


