નેશનલ

Parliament Attack 2001: 45 મિનિટ સુધી સંસદ ભવનમાં ચાલ્યું હતું ફાયરિંગ: એક-એક કરીને પાંચેય આતંકી થયા ઠાર

આજેય નેતાઓના રૂંવાડા ઊભા કરી દે છે 13 ડિસેમ્બર 2001નો દિવસ

આજથી બરોબર 24 વર્ષ પહેલા 13 ડિસેમ્બર 2001નો દિવસ નવી દિલ્હી અને ભારત દેશ માટે ડરામણો દિવસ હતો. સંસદમાં શિયાળુ સત્ર ચાલી રહ્યું હતું. આ દરમિયાન મહિલા અનામત બિલ પર હોબાળો થતા સવારે 11:02 વાગ્યે ગૃહને સ્થગિત કરવામાં આવ્યું હતું. તત્કાલિન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી અને લોકસભામાં વિપક્ષના નેતા સોનિયા ગાંધી સંસદમાંથી બહાર નીકળી ચૂક્યા હતા. પરંતુ 200 જેટલા સાંસદ અને પ્રધાનો સંસદમાં હાજર હતા. આ દરમિયાન અચાનક સંસદમાં ફાયરિંગ શરૂ થઈ ગયું હતું.

સંસદ ભવનમાં ઘૂસી આવ્યા 5 આતંકી

સવારે સાડા અગિયાર વાગ્યાની આસપાસ પાંચ આતંકવાદીઓ સફેદ એમ્બેસેડરમાં બેસીને સંસદમાં ઘૂસી આવ્યા હતા. તેમની પાસે AK-47 રાઈફલ હતી. તે સમયે સંસદની બહાર બિન-હથિયારી સિક્યુરિટી ગાર્ડ ઊભા રહેતા હતા. સિક્યુરિટી ગાર્ડ કશુંક સમજે એ પહેલા જ આતંકવાદીઓની કાર સંસદમાં ઘૂસી ગઈ હતી. સિક્યુરિટી ગાર્ડે તેમની કારનો પીછો કર્યો. એ સમયે ઉપરાષ્ટ્રપતિની કાર સંસદની બહાર નીકળી રહી હતી. જેમાં ઉપરાષ્ટ્રપતિ સવાર હતા. આતંકીઓની કાર ઉપરાષ્ટ્રપતિની કાર સાથે ટકરાઈ હતી. જેનાથી હડકંપ મચી ગયો હતો.

પીઠ અને ખભા પર બેગ લટકાવીને આવેલા આતંકવાદીઓ AK-47 રાઈફલ અને હૈંડગ્રેનેડ સાથે સજ્જ હતા. એમ્બેસેડરનો પીછો કરી રહેલા ચાર સિક્યુરિટી ગાર્ડને આતંકીઓએ પોતાનો પહેલો નિશાનો બનાવ્યા હતા. આતંકીઓએ ધડાધડ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આમ, અચાનક શરૂ થયેલા ફાયરિંગને લઈને સંસદ ભવનના તમામ દરવાજાને બંધ કરી દેવામાં આવ્યા હતા. સાંસદો અને પ્રધાનોને સલામત જગ્યાએ ખસેડી દેવામાં આવ્યા હતા.

એક-એક કરીને પાંચેય આતંકી થયા ઠાર

સંસદના સુરક્ષાકર્મીઓએ આતંકીઓના હુમલાઓનો જવાબ આપ્યો હતો. પાંચ પૈકીનો એક આતંકવાદી ગેટ નંબર 1થી અંદર ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ સુરક્ષાકર્મીઓની ગોળીએ તેને ઠાર કર્યો હતો. ગેટ નંબર 4 તરફ આગળ વધવાનો પ્રયાસ કરી રહેલા બાકીના 4 આતંકીઓએ ગેટ નંબર 9 તરફ વળ્યા હતા. પરંતુ સુરક્ષાકર્મીઓએ તેમને પણ ઘેરી લીધા હતા. સુરક્ષાકર્મીઓ સાથે થયેલી અથડામણમાં એક-એક કરીને ત્રણ આતંકીઓ મોતને ભેટ્યા હતા. જ્યારે એક આતંકીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે પણ સુરક્ષાકર્મીની ગોળીનો શિકાર બનીને સંસદ ભવનના પરિસરમાં ઢળી પડ્યો હતો.

માસ્ટર માઇન્ડને થઈ ફાંસીની સજા

આમ, ભારતમાં લોકતંત્રના મંદિર સમા સંસદ ભવનના ઇતિહાસમાં પહેલીવાર ખુની ખેલ ખેલાયો હતો. આ ખુની ખેલ સાડા અગિયાર વાગ્યે શરૂ થઈને 4 વાગ્યા સુધી ચાલ્યો હતો. આ દરમિયાન આતંકીઓનો સામનો કરી રહેલા સંસદ ભવનના ગાર્ડ, દિલ્હી પોલીસના જવાનો સહિત કુલ 9 લોકો શહીદ થયા હતા. દિલ્હી પોલીસે આ આતંકી હુમલાની તપાસ કરી હતી. જેમાં હુમલાના માસ્ટર માઇન્ડ અફઝલ ગુરુ, એસએઆર ગિલાની, અફશાન ગુરુ અને શૌકત હુસેનની ધરપકડ કરવામાં આવી હતી. જે પૈકી એસએઆર ગિલાની અને અફશાન ગુરુને સુપ્રીમ કોર્ટે છોડી મૂક્યા હતા. શૌકત હુસેનની સજા ઘટાડવામાં આવી હતી. જ્યારે અફઝલ ગુરુને ફાંસીની સજા સંભળાવામાં આવી હતી.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button