દિલ્હી-NCR પ્રદૂષણ મામલે સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી: ‘માત્ર પરાલી સળગાવવી જ કારણ નથી’

નવી દિલ્હી: દિલ્હી-એનસીઆરમાં વધી રહેલા પ્રદૂષણના મુદ્દા પર આજે સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરી હતી. સુપ્રીમ કોર્ટે સવાલ કરતા પૂછ્યું હતું કે શું પ્રદૂષણ માટે માત્ર ખેતરના ઠૂંઠા (પરાલી) સળગાવવી જ એકમાત્ર કારણ છે?
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે ટિપ્પણી કરી કે ખેડૂતો ભાગ્યે જ કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરવા હાજર રહી શકે છે, તેથી તેમને સંપૂર્ણપણે જવાબદાર ઠેરવવાનું સરળ છે. કોર્ટે કહ્યું હતું કે પહેલા પણ પરાલી સળગાવતા હતા, પરંતુ દિલ્હીનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ક્યારેય આટલો ખરાબ નહોતો.
બાર એન્ડ બેન્ચના રિપોર્ટ અનુસાર મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે નિર્દેશ આપ્યો છે કે રિપોર્ટ કોર્ટમાં રજૂ કરીને જણાવવામાં આવે કે દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણના નિયંત્રણ માટે શું પગલાં ભરવામાં આવ્યા છે. કોર્ટે લાંબા સમયથી ચાલી રહેલી એમસી મહેતા કેસ પર સુનાવણી કરી હતી, જેમાં એર પોલ્યુશન અને પર્યાવરણ સંબંધિત મુદ્દાનો સમાવેશ હતો.
આપણ વાચો: કિરણ બેદીએ દિલ્હીમાં વાયુ પ્રદૂષણ અંગે ચિંતા વ્યક્ત કરી, વાયુ પ્રદૂષણ ઘટાડવા રોડમેપ શેર કર્યો
એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ કોર્ટને જણાવ્યું કે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) દ્વારા પ્રદૂષણની સમસ્યા સામે લડવા માટે એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્લાનમાં પરાલી, વાહનો, બાંધકામ ક્ષેત્રની ઈમારતોની ધૂળ, રસ્તાની ધૂળ અને બાયોમાસ સળગાવવાથી થતા પ્રદૂષણને નિયંત્રિત કરવાના પગલાનો સમાવેશ થાય છે.
આના પર CJI સૂર્યકાંતે કડક શબ્દોમાં કહ્યું હતું કે હું પરાલી સળગાવવા પર કોઈ ટિપ્પણી કરવા માંગતો નથી. સમગ્ર જવાબદારી તેના પર નાખી દેવી સરળ છે, કારણ કે ખેડૂતો ભાગ્યે જ કોર્ટમાં હોય છે. જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણના અન્ય કારણો પર શું પગલાં લેવાઈ રહ્યા છે, તેનો રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે વધુમાં કહ્યું કે પરાલી ખૂબ લાંબા સમયથી સળગાવવામાં આવી રહી છે, પરંતુ તાજેતરના વર્ષોમાં જોવા મળ્યું છે તેમ પહેલા ક્યારેય દિલ્હીની હવા આટલી ખરાબ થઈ નહોતી. તેમણે કોરોના મહામારીના સમયનું ઉદાહરણ આપતા કહ્યું કે તે દરમિયાન પણ પરાલી સળગાવવામાં આવી હતી, છતાં આકાશ ચોખ્ખું દેખાતું હતું અને તારાઓ પણ દેખાતા હતા.
આપણ વાચો: અમદાવાદ પ્રદૂષણના ભરડામાં, AQI 300ને પાર
CJIએ ભારપૂર્વક કહ્યું કે આપણે અન્ય પરિબળો પર પણ ધ્યાન આપવાની જરૂર છે. ઉલ્લેખનીય છે કે બેન્ચ લાંબા સમયથી પડતર એમસી મહેતા કેસ પર સુનાવણી કરી રહી છે, જેમાં વાયુ પ્રદૂષણ અને પર્યાવરણ સંબંધિત અન્ય મુદ્દાઓ સામેલ છે.
CJI સૂર્યકાંતે પ્રદૂષણ માટે જવાબદાર અન્ય પરિબળોને નિયંત્રિત કરવા માટે શું કરવામાં આવી રહ્યું છે, તેના પર એક સપ્તાહમાં રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. CJIએ સ્પષ્ટતા કરી કે રિપોર્ટમાં શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ બંને યોજનાઓનો સમાવેશ થવો જોઈએ.
તેમણે ટિપ્પણી કરી કે આટલી મોટી વસ્તીને સમાવવા અથવા દરેક ઘરમાં ઘણી ગાડીઓ હશે, એ વિચારીને કોઈ શહેરનો વિકાસ કરવામાં આવ્યો નથી. કોર્ટે CAQMને પ્રદૂષણ નિયંત્રણના ઉપાયોની પુનઃ સમીક્ષા કરવા અને તેના પ્રભાવની ચકાસણી કરવા જણાવ્યું છે. ચીફ જસ્ટિસે જાહેર કર્યું કે આ કેસની હવે નિયમિતપણે અને દર મહિને બે વાર સુનાવણી કરવામાં આવશે, જેની આગામી સુનાવણી ૧૦ ડિસેમ્બરના રોજ થશે.



