
નવી દિલ્હી: અહીંના નિઝામુદ્દીન વિસ્તારની હુમાયુના મકબરામાં મોટી દુર્ઘટના ઘટી, જ્યાં મકબરાના પરિસરમાં બનાવેલી મસ્જિદના રેસ્ટ રુમની દીવાલ તૂટી પડી હતી. આ દુર્ઘટના પછી બચાવ કામગીરી તાત્કાલિક હાથ ધરવામાં આવી હતી. આ દુર્ઘટના ચાર વાગ્યાના સુમારે બની હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
હુમાયુના મકબરામાં થઈ દુર્ઘટના
દિલ્હીના ફાયર બ્રિગેડની ટીમે જણાવ્યું હતું કે નિઝામુદ્દીન પૂર્વ વિસ્તારમાં આવેલ ઐતિહાસિક સ્મારક હુમાયુના મકબરા ખાતે એક દુર્ઘટના સર્જાઈ હતી. હુમાયુના મકબરાના પટાંગણમાં આવેલ એક મસ્જિદ નજીક એક રુમ બનાવેલ છે, જેની છત ધરાશાયી થતા છત નીચે આશરે પંદરેક લોકો દટાયા હતા.
દુર્ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયરબ્રિગેડ તથા એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અત્યારસુધી 10થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.
વર્લ્ડ હેરિટેજ સાઈટનો મળ્યો દરજ્જો
ઉલ્લેખનીય છે કે, હુમાયુ દિલ્હી પર રાજ કરનાર બીજો મુઘલ બાદશાહ હતો. 27 જાન્યુઆરી, 1556ના રોજ હુમાયુનું અવસાન થયું હતું. ત્યારબાદ હુમાયુની પહેલી પત્ની બેગા બેગમે દિલ્હી ખાતે નિઝામુદ્દીન ઓલિયાની દરગાહ પાસે હુમાયુના મકબરાનું નિર્માણ કરાવ્યું હતું.
1993માં યુનેસ્કોએ હુમાયુના મકબરાને વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કર્યો હતો. જોકે, 2014માં દિલ્હી ખાતે વાવાઝોડું આવ્યું હતું. જેમાં હુમાયુના મકબરાના ગુંબજ પર લાગેલ ધાતુનો કળશ નીચે પડી ગયો હતો.
અહીં એ જણાવવાનું કે દિલ્હી એક ઐતિહાસિક શહેર છે. મહાભારતના કાળમાં પાંડવોએ અહીં ઇન્દ્રપ્રસ્થ નગર વસાવ્યું હતું, એવું કહેવામાં આવે છે. ઇતિહાસના પુરાવોના આધારે દિલ્હી પર પૃથ્વીરાજ ચૌહાણ જેવા રાજપુત રાજા સહિત મુઘલોએ રાજ કર્યું હતું. તેથી દિલ્હીમાં મુઘલોના સ્થાપત્યો વધારે પ્રમાણમાં જોવા મળે છે.
આ પણ વાંચો…દિલ્હી હાઈ કોર્ટે કહ્યું કે દબાણ એ એક પ્રકારની ઉઘાડી લૂંટ જ છે