પાટનગરમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયુંઃ વૃક્ષ પડતા એકનું મોત

નવી દિલ્હીઃ અહીંયા ભારે વરસાદથી તરબોળ થયું હતું. જેના કારણે જળમગ્ન રસ્તાઓ પર વાહનો કલાકો સુધી ફસાયા હતા તેમ જ મુસાફરોએ પાણી ભરેલા રસ્તાઓમાંથી પસાર થવું પડ્યું હતું. શહેરમાં વૃક્ષો ધરાશાયી થવાની અનેક ઘટનાઓ નોંધાઇ હતી, જેમાં કાલકાજીમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર ધૌલા કુઆં- ગુરુગ્રામ માર્ગ પર એક ડીટીસી બસ ફસાઇ ગઇ હતી. તેમજ વરસાદી પાણીમાં કારો ફસાઇ ગઇ હતી. મોટરસાઇકલ અને સ્કૂટર પર મુસાફરી કરતાં લોકોને ઉતરીને જળમગ્ન વિસ્તારોમાંથી તેમના વાહનો બહાર કાઢવા પડ્યા હતા.
આ પણ વાંચો: ઉત્તરાખંડના દહેરાદૂનમાં વરસાદે 74 વર્ષનો રેકોર્ડ તોડ્યો, ચમોલી બદ્રીનાથ નેશનલ હાઈવે બંધ
ભારે વરસાદમાં કાલકાજી રોડની વચ્ચોવચ્ચ એક મોટું વૃક્ષ ઉખડીને ચાલતા વાહનો પર પડ્યું હતું. જેમાં તુગલકાબાદ વિસ્તારના રહેવાસી ૫૦ વર્ષીય સુધીર કુમારનું મોત નીપજ્યું હતું. તેઓ તેમની પુત્રી પ્રિયા(૨૨) સાથે મોટરસાઇકલ પર સવાર હતા. ગુરૂવારે સવારે બનેલા આ બનાવમાં પ્રિયાનું પેલ્વિક હાડકું તૂટી ગયું હતું.
લાજપત નગર, રોહતક રોડ, આનંદ પર્વત, જહાંગીરપુરીમાં જીટીકે ડેપો, આદર્શ નગર, રિંગ રોડ નજીક જૂનો જીટી રોડ, મથુરા રોડ પર આશ્રમથી મૂલચંદ સુધી જતો રસ્તો અને ધૌલા કુઆં-ગુરૂગ્રામ રોડ જળમગ્ન થયા હતા. જેના કારણે કામકાજના સમયે રાહદારીઓને ભારે અસુવિધાઓનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો: ચોમાસું આવ્યું: ક્યાંક વરસાદ, ક્યાંક હજુ ગરમી! જાણો તમારા રાજ્યનું હવામાન
સુબ્રતો પાર્ક અને આઉટર રિંગ રોડ, દ્વારકા સેક્ટર ૨૦, ગુરૂગ્રામના બસઇ રોડ અને ગાઝિયાબાદ અને નોઇડાના કેટલાક ભાગોમાં પણ આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા. જાહેર બાંધકામ વિભાગના પૂર નિયંત્રણ કક્ષને આજે પાણી ભરાવાની ૫૦થી વધુ ફરિયાદો મળી હતી.
ભારતીય હવામાન વિભાગ(આઇએમડી)એ વધુ વરસાદની આગાહી કરતાં ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. આઇએમડીના ડેટા અનુસાર સવારે ૮-૩૦ થી ૧૧-૩૦ વાગ્યા સુધીના ત્રણ કલાકમાં દિલ્હીના પ્રાથમિક હવામાન કેન્દ્ર સફદરજંગમાં ૭૪ મીમી, લોધી રોડમાં ૬૨.૪ મીમી, પાલમમાં ૩૮ મીમી, રિજમાં ૩૪.૬ મીમી અને પૂસામાં ૪૬ મીમી વરસાદ નોંધાયો હતો.