દિલ્હી-એનસીઆરમાં મુશળધાર વરસાદ: 170 ફ્લાઈટ મોડી, IMDએ આપ્યું એલર્ટ

નવી દિલ્હી: આજે વહેલી સવારથી દિલ્હી અને આસપાસના રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR)ના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો, જેના પરિણામે ટ્રાફિક જામ અને પાણી ભરાવવાની સમસ્યા થઈ. ભારતીય હવામાન વિભાગ (IMD)એ દિલ્હી માટે યલો એલર્ટ અને નોઈડા-ગાઝિયાબાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે, જેમાં આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજધાની ક્ષેત્રોના અન્ય વિસ્તારોમાં દિવસભર હળવો વરસાદ અથવા ઝરમર વરસાદ પડવાની અપેક્ષા છે, કોઈ ચોક્કસ ચેતવણી આપવામાં આવી નથી.
ભારે વરસાદથી ટ્રાફિક જામ અને ફ્લાઇટમાં વિલંબ
લખનૌ હવામાન કેન્દ્રના જણાવ્યાનુસાર ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર અને ગાઝિયાબાદ હાલમાં અપેક્ષિત તીવ્ર હવામાન પરિસ્થિતિઓને કારણે રેડ એલર્ટ હેઠળ છે. દરમિયાન, ગુરુગ્રામ અને ફરિદાબાદ અપ્રભાવિત છે, આ શહેરો માટે કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી.
આ પણ વાંચો : દિલ્હીમાં ભારે વરસાદથી અનેક સ્થળોએ પાણી ભરાયા, હવાઈ સેવા પણ પ્રભાવિત
ભારે વરસાદને કારણે દિલ્હીના મુખ્ય માર્ગો જેવા કે DND ફ્લાયવે, મથુરા રોડ, વિકાસ માર્ગ અને રાજારામ કોહલી માર્ગ પર ટ્રાફિક ધીમો પડ્યો હતો. બદરપુરથી આશ્રમ સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી, જેના કારણે ઓફિસ જનારાઓ અને સ્કૂલ બસોને ભારે મુશ્કેલી પડી હતી. વરસાદના કારણે દિલ્હી એરપોર્ટ પર ફ્લાઇટના સમયપત્રક પર પણ અસર પડી હતી. Flightradar24.comના અહેવાલ અનુસાર, 146 ફ્લાઇટ્સના પ્રસ્થાન અને 30 ફ્લાઇટ્સના આગમનમાં સરેરાશ 28 મિનિટનો વિલંબ થયો હતો.
ઘરથી બહાર નીકળતા લોકો રાખે ધ્યાન
એરલાઇને એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, “દિલ્હીમાં આજે હળવો વરસાદ વરસી રહ્યો છે. જોકે, હજુ સુધી રસ્તા પર તેનો કોઈ વધારે પ્રભાવ પડ્યો નથી, પરંતુ કેટલાક વિસ્તારોમાં મુસાફરી ધીમી પડી શકે છે. જો તમે એરપોર્ટ તરફ જઈ રહ્યા છો, તો કૃપયા અગાઉથી યોજના બનાવો અને અમારી એપ્લિકેશન અથવા વેબસાઇટનો ઉપયોગ કરીને તમારી ફ્લાઇટ વિગતો અગાઉથી જોઈ લો. અમારી એરપોર્ટ ટીમ તમને હંમેશા મદદ કરવા માટે ઉપલબ્ઘ છે.”
આ પણ વાંચો : દિલ્હીમાં ભારે વરસાદ, એરલાઈન કંપનીઓએ મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરી…
ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે દિવસભર દિલ્હીના બાકીના ભાગોમાં હળવો વરસાદ ચાલુ રહેવાની અપેક્ષા વ્યક્ત કરી છે. જ્યારે ગુરુગ્રામ અને ફરીદાબાદ માટે કોઈ ખાસ ચેતવણી જારી કરવામાં આવી નથી.