દિલ્હીમાં 2.4 કરોડના નકલી NCERT પુસ્તકોનું રેકેટ ઝડપાયું, ત્રણ જણની ધરપકડ

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં નકલી NCERT પુસ્તકો વેચતા એક રેકેટનો પર્દાફાશ થયો હતો. પોલીસને મળેલી માહિતીના આધારે અલીપુર સ્થિત એક ગોડાઉનમાં દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાંથી મોટા પ્રમાણમાં નકલી પુસ્તકોનો જથ્થો મળી આવ્યો હતો. આ પુસ્તકોની કિંમત 2.4 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે. પોલીસે આ મામલે 3 લોકોની ધરપકડ કરી છે.
આપણ વાંચો: મુંબઈમાં સોનાની દાણચોરીના રેકેટનો પર્દાફાશ: રૂ. 10.48 કરોડની મતા સાથે બે વિદેશી સહિત ચારની ધરપકડ
શાહદરા પોલીસને મળી હતી ગુપ્ત બાતમી
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, 16 મેના રોજ શાહદરા જિલ્લાની પોલીસને એક ગુપ્ત બાતમી મળી હતી કે મંડોલી રોડ પર અનુપમ સેલ્સ નામની એક દુકાન પર ગેરકાયદેસર રીતે NCERTની નકલી પુસ્તકો વેચવામાં આવી રહ્યા છે.
માહિતી મળતા જ સ્પેશિયલ સ્ટાફની ટીમ સક્રિય થઈ ગઈ અને ઇન્સ્પેક્ટર મનીષ કુમારના નેતૃત્વમાં એક વિશેષ ટીમની રચના કરવામાં આવી. NCERTના આસિસ્ટન્ટ પ્રોડક્શન ઓફિસર પ્રકાશવીર સિંહને પણ પ્રમાણીકરણ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા.
આપણ વાંચો: રક્તચંદનની દાણચોરીના રેકેટનો પર્દાફાશ: નિકાસકાર સહિત પાંચ જણની ધરપકડ
બાપ-દીકરાની ધરપકડ
આગળ પોલીસે જણાવ્યું કે બાતમીના આધારે પોલીસની ટીમે મંડોલી રોડ સ્થિત અનુપમ સેલ્સ નામની દુકાન પર દરોડો પાડ્યો હતો, જ્યાં પ્રશાંત ગુપ્તા અને તેનો પુત્ર નિશાંત ગુપ્તા ગેરકાયદેસર રીતે NCERTની નકલી પુસ્તકો વેચતા પકડાયા હતા.
પ્રશાંત ગુપ્તાએ જણાવ્યું કે તે છેલ્લા 25 વર્ષથી દુકાન ચલાવી રહ્યો હતો, તેનો પુત્ર નિશાંત ગુપ્તા 5 વર્ષ પહેલાં આ ધંધામાં જોડાયો હતો. વધુ નફાના ચક્કરમાં તેણે જ આ નકલી પુસ્તકોનો ધંધો શરૂ કર્યો હતો.
હિરનકીમાં મળ્યા 1.7 લાખ નકલી પુસ્તકો
પૂછપરછમાં બંને આરોપીઓએ સ્વીકાર્યું કે તેઓ છેલ્લા ઘણા વર્ષોથી નકલી પુસ્તકોનો ધંધો કરી રહ્યા હતા અને આ પુસ્તકો તેઓ દિલ્હીના જ હિરનકી વિસ્તારમાંથી ખરીદતા હતા. આરોપીના નિવેદનના આધારે પોલીસે હિરનકી વિસ્તારની કાશ્મીરી કોલોનીના શિવ એન્ક્લેવના પ્લોટ નંબર 34-35માં બીજી મોટી રેડ પાડી હતી.
પોલીસે અંદાજે 2.4 કરોડ રૂપિયાની કિંમતની લગભગ 1.7 લાખ નકલી NCERTની પુસ્તકો જપ્ત કર્યા હતા. હરિયાણાના સોનીપતના રહેવાસી અને હિરનકી સ્થિત વેરહાઉસના માલિક અરવિંદ કુમારની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે.