મની લોન્ડરિંગ કેસમાં આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનને મળી રાહત, પણ આ શરતે | મુંબઈ સમાચાર

મની લોન્ડરિંગ કેસમાં આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનને મળી રાહત, પણ આ શરતે

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના વધુ એક નેતાને કોર્ટે રાહત આપી છે. રાઉઝ એવન્યૂ કોર્ટે શુક્રવારે મની લોન્ડ્રિંગ મામલે દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનની જામીન અરજી પર ફેંસલો સંભળાવતા 50 હજારના બોન્ડ પર સશરત જામીન આપ્યા હતા. ઉપરાંત તેના પર દેશની બહાર જવા પર રોક લગાવી દેવામાં આવી છે. જૈનની ઈડીએ 30 મે, 2022ના રોજ કથિત રીતે જોડાયેલી ચાર કંપનીઓ દ્વારા મની લોન્ડ્રિંગના આરોપમાં ધરપકડ કરી હતી.

સુનાવણી દરમિયાન સ્પેશિયલ જજ રાકેશ સ્યાલે આરોપીઓ અને ઈડી તરફથી દલીલો સાંભળ્યા બાદ આદેશ સુરક્ષિત રાખ્યો હતો. જૈનના વકીલે અદાલતમાં કહ્યું કે, તેમને કસ્ટડીમાં રાખવાથી કોઈ ઉદ્દેશ પૂરો નહીં થાય. ઈડીએ અરજીનો વિરોધ કરતા કહ્યું કે જો જૈનને મુક્ત કરવામાં આવશે તો સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે.

આપણ વાંચો: Money Laundering: સત્યેન્દ્ર જૈનની અરજી પર આ તારીખે ચુકાદો આપવાનો ‘સુપ્રીમ’નો નિર્દેશ

સત્યેન્દ્રના પત્ની પણ છે આરોપી

જૈન પર 2009-10 અને 2010-11માં નકલી કંપનીઓ બનાવવાનો આરોપ છે. આ કંપનીઓમાં અકિંચન ડેવલપર્સ પ્રાઈવેટ લિમિટેડ, ઈન્ડો મેટલ ઈમ્પેક્સ પ્રાઈવેટ લિમિટેડ, પ્રયાસ ઈન્ફો સોલ્યુશન્સ પ્રાઈવેટ લિમિટેડ, મંગલાયતન પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડનો સમાવેશ થાય છે.

ED દ્વારા આ કેસમાં સત્યેન્દ્ર જૈન ઉપરાંત તેમની પત્ની પૂનમ જૈન, અજીત પ્રસાદ જૈન, સુનીલ કુમાર જૈન, વૈભવ જૈન, અંકુશ જૈન, મેસર્સ અકિંચન ડેવલપર્સ પ્રાઈવેટ લિમિટેડ, મેસર્સ પ્રયાસ ઈન્ફો સોલ્યુશન્સ પ્રા. લિ., મંગલાયતન પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ અને જેજે આઈડીયલ એસ્ટેટ પ્રાઈવેટ લિમિટેડને આરોપી બનાવવામાં આવ્યા છે. EDએ 30 મે 2022ના રોજ સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરી હતી.

Back to top button