Delhi ના સીએમ કાર્યાલયમાંથી બાબા આંબેડકર અને શહીદ ભગતસિંહની તસવીર દૂર કરાયાનો આપનો દાવો

નવી દિલ્હી : દિલ્હીમાં(Delhi)સરકારની રચના બાદ હવે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે મહાપુરુષોની તસવીરને મુદ્દે રાજકારણ ગરમાયું છે. જેમાં વિપક્ષ આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે દિલ્હી વિધાનસભામાં મુખ્ય મંત્રી રેખા ગુપ્તાની ઓફિસમાંથી બંધારણના ઘડવૈયા ભીમરાવ આંબેડકર અને શહીદ ભગતસિંહની તસવીરો દૂર કરવામાં આવી છે. જ્યારે દિલ્હીના પૂર્વ સીએમ આતિશીએ કહ્યું કે આનાથી ભાજપની દલિત વિરોધી રાજનીતિ ઉજાગર થાય છે.
બંને ફોટા મુખ્યમંત્રી કાર્યાલયમાંથી દૂર કરવામાં આવ્યા
આ અંગે વિધાનસભામાં વિપક્ષના નેતા આતિશીએ કહ્યું કે, અરવિંદ કેજરીવાલના દિલ્હી સરકારમાં મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન દરેક સરકારી કાર્યાલયમાં આંબેડકર અને શહીદ ભગતસિંહની તસવીરો લગાવવામાં આવી હતી. પરંતુ આજે જ્યારે અમે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને વિધાનસભા સ્થિત તેમના કાર્યાલયમાં મળવા ગયા, ત્યારે અમે જોયું કે બંને ફોટા મુખ્યમંત્રી કાર્યાલયમાંથી દૂર કરવામાં આવ્યા છે. આપ વિધાનસભામાં આનો સખત વિરોધ કરે છે.
આપણ વાંચો: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આમ આદમી પાર્ટીમાં ભંગાણ, 3 હોદ્દેદારોએ આપ્યા રાજીનામા
આમ આદમી પાર્ટીએ દાવો કર્યો હતો કે મુખ્યમંત્રી કાર્યાલયમાં હવે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને મહાત્મા ગાંધીની તસવીરો છે.
ભાજપ સરકારે બાબા સાહેબની તસવીર હટાવી : કેજરીવાલ
જ્યારે આ મુદ્દે દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પણ ફોટો હટાવવા પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું, દિલ્હીમાં નવી ભાજપ સરકારે બાબા સાહેબની તસવીર હટાવીને તેની જગ્યાએ પ્રધાનમંત્રી મોદીની તસવીર લગાવી દીધી છે જે યોગ્ય નથી.તેમણે કહ્યું, આનાથી બાબા સાહેબના કરોડો અનુયાયીઓને દુઃખ થયું છે. મારી ભાજપને એક વિનંતી છે. તમે પ્રધાનમંત્રીની તસવીર લગાવી શકો છો પણ બાબા સાહેબની તસવીરના હટાવો.
આપણ વાંચો: Delhi Results: 2020ના રમખાણવાળા વિસ્તારોમાંથી ભાજપ-આમ આદમી પાર્ટીને કેટલી મળી સીટ?
આપ ધારાસભ્યો પણ હોબાળો કરતા જોવા મળ્યા
દિલ્હી વિધાનસભામાં આ તસવીરને લઈને ભારે હોબાળો થયો હતો. નવા સ્પીકર વિજેન્દ્ર ગુપ્તાને અભિનંદન આપતાં આતિશીએ કહ્યું કે ફોટોગ્રાફ્સ હટાવવા એ અપમાનજનક હતું. આ અંગે આપ ધારાસભ્યો પણ હોબાળો કરતા જોવા મળ્યા. આ અંગે સ્પીકર વિજેન્દ્ર ગુપ્તાએ કહ્યું કે આ એક શિષ્ટાચાર સંબોધન હતું તેને રાજકીય પ્લેટફોર્મ બનાવવું જોઈતું ન હતું. હું આતિશીના વર્તનની સખત નિંદા કરું છું.