નેશનલ

દિલ્હી બ્લાસ્ટ અંગે વિપક્ષે કેન્દ્ર સરકાર અને સુરક્ષા એજન્સી પર સવાલ ઉઠાવ્યા! જાણો કોણે શું કહ્યું?

નવી દિલ્હી: ગત સોમાવરે દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે એક કારમાં થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં મૃત્યુઆંક 13 સુધી પહોંચ્યો છે, તપાસ એજન્સીઓ આ મામલે તપાસ કરી રહી છે. એવામાં વિપક્ષે દેશમાં સુરક્ષા વ્યવસ્થા અને આતંકવાદ સામે કાર્યવાહી મામલે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.

કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રિયા શ્રીનાતે સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કરીને કહ્યું કે પહેલગામમાં આતંકવાદી હુમલો થયો ત્યાર બાદ મોદી સરકારે કહ્યું હતું કે હવેથી કોઈપણ આતંકવાદી હુમલાને યુદ્ધની ઘોષણા માનવામાં આવશે. હવે આતંકવાદીઓના પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદ સાથે સંબંધોની જાણ થઇ છે છતાં, સરકારનો અત્યાર સુધી તેમને આપેલા વચન પ્રમાણે કાર્ય કર્યું નથી.

સુપ્રિયા શ્રીનાતે કહ્યું કે દિલ્હીમાં બોમ્બ વિસ્ફોટ થયાના પચાસ કલાક બાદ, મોદી સરકારે સ્વીકાર્યું કે આ એક આતંકવાદી હુમલો હતો. પરંતુ પાકિસ્તાન વિશે એક પણ શબ્દ ન કહેવામાં આવ્યો. શું પાકિસ્તાનની સંડોવણી વિના ભારતમાં આતંકવાદી હુમલો થઈ શકે છે?

કોંગ્રેસના નેતા એમ વીરપ્પા મોઇલીએ દેશની આંતરિક સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું, “તમે વિચારીને જુઓ આતંકવાદી ઉમર ફરીદાબાદથી દિલ્હીના લાલ કિલ્લા સુધી કાર ચલાવીને આવ્યો? રસ્તામાં તેની કોઈ તપાસ ન થઇ, આની નિંદા થવી જોઈએ. આતંકવાદી મોડ્યુલ પહેલા પકડી શકાયું હોત. સરકારને પણ જવાબદાર ઠેરવવી જોઈએ.”

‘દરેક કાશ્મીરી આતંકવાદી નથી’
જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે આ ઘટનાની ગમે તેટલી નિંદા કરો એટલી ઓછી છે. નિર્દોષ લોકો એ જીવ ગુમાવ્યા. લોકોએ સમજવાની જરૂર છે કે જમ્મુ અને કાશ્મીરમાં રહેતા બધા લોકો આતંકવાદી નથી અને ન તો તેઓ આતંકવાદને સમર્થન આપે છે.

સુરક્ષા એજન્સીઓ નિષ્ફળ ગઈ:
પંજાબ સરકારના પ્રધાન હરપાલ સિંહ ચીમાએ સુરક્ષા એજન્સી પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું, “દેશની રાજધાનીમાં બોમ્બ બ્લાસ્ટ થયો, સુરક્ષા એજન્સીઓ વિસ્ફોટ રોકવામાં નિષ્ફળ ગઈ. આ ઇન્ટેલિજન્સ ફેઇલ્યોર છે, કેન્દ્ર સરકાર પર પણ પ્રશ્નો ઉભા થાય છે.”

આપણ વાંચો:  આ જગ્યાએ રચાયું હતું બોમ્બ બ્લાસ્ટનું કાવતરું! જાણો તપાસ એજન્સીને શું મળ્યું

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button