દિલ્હી બ્લાસ્ટનું કનેક્શન ફરીદાબાદની અલ ફલાહ યુનિવર્સિટી સુધી! UGCની ફરિયાદ બાદ તપાસનો ધમધમાટ શરૂ…

નવી દિલ્હી: ક્રાઇમ બ્રાન્ચે ફરીદાબાદ સ્થિત અલ ફલાહ યુનિવર્સિટી વિરુદ્ધ ધોકાધડી જેવા ગંભીર આરોપોમાં તપાસ શરૂ કરી છે. આ કાર્યવાહી યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ની ફરિયાદના આધારે કરવામાં આવી છે, જેમાં સંસ્થાની કેટલીક પ્રવૃત્તિઓ પર ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. આ તપાસથી વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર પડી શકે છે અને તેને આતંકી ઘટનાઓ સાથે પણ જોડવામાં આવી રહી છે, જે વર્તમાન સમયમાં ચર્ચાનો વિષય બની રહી છે.
પોલીસે અલ ફલાહ યુનિવર્સિટી વિરુદ્ધ બે અલગ અલગ FIR નોંધી છે, જેમાં પ્રથમમાં ધોકાધડીનો આરોપ છે અને બીજીમાં દસ્તાવેજો સાથે છેડછાડ અને ફોર્જરી સંબંધિત કલમો લગાવવામાં આવી છે. UGCની ફરિયાદમાં જણાવાયું છે કે યુનિવર્સિટીએ કેટલીક પ્રક્રિયાઓ અને માપદંડોનું પાલન ન કર્યું, જેના કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ તપાસને વધુ આગળ વધારવા માટે પોલીસે યુનિવર્સિટીને ઔપચારિક નોટિસ મોકલી છે અને મહત્વના દસ્તાવેજો તથા રેકોર્ડ માંગ્યા છે.
FIR નોંધાયા પછી ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઓખલા સ્થિત યુનિવર્સિટીના મુખ્યાલય પહોંચી અને ત્યાંના વહીવટી અધિકારીઓ સાથે પૂછપરછ કરી છે. આ તપાસને દિલ્હીમાં થયેલા ધમાકા સાથે પણ જોડવામાં આવી રહી છે, કારણ કે આ ઘટનાના સંદિગ્ધ આતંકી ઉમર યુનિવર્સિટીની હોસ્પિટલમાં કામ કરતો હતો.
તપાસકર્તાઓએ યુનિવર્સિટીની બિલ્ડિંગ નંબર 17ના રૂમ નંબર 13ને આતંકીઓનો મુખ્ય આધાર ગણાવ્યો છે, જ્યાં વિસ્ફોટકો ભેગા કરવા અને ધમાકાની યોજના બનાવવાની આવી હતી, અને આમા આરોપી ડોક્ટર ઉમર ઉન નબી સહિત કેટલાક પ્રોફેસરોની સંડોવણી હોવાની પણ સંભાવાના વ્યક્ત કરવામાં આવી રહી છે.
દિલ્હી ધમાકાની તપાસમાં અલ ફલાહ યુનિવર્સિટી કેન્દ્રસ્થાને છે, જેમાં 13 લોકોના મોત થયા હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે યુનિવર્સિટીના કેટલાક ડોક્ટરો આતંકીઓ સાથે જોડાયેલા હતા અને ઉત્તર પ્રદેશ તથા કાશ્મીરી મૂળના કેટલાક ડોક્ટરો આ નેટવર્કનો ભાગ હોઈ શકે છે. વિદ્યાર્થીઓ ભયને કારણે યુનિવર્સિટી છોડી રહ્યા છે, અને તપાસ ટીમો આતંકી નેટવર્કના તમામ પાસાઓ સુધી પહોંચવાના પ્રયાસ કરી રહી છે.
નેશનલ અસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ (NAAC)એ યુનિવર્સિટીને કારણદર્શક નોટિસ જારી કરી છે, કારણ કે તેમની વેબસાઇટ પર ખોટી અને બનાવટી માન્યતાના દાવા કરવામાં આવ્યા હતા. તપાસને કારણે યુનિવર્સિટીની વેબસાઇટ બંધ કરી દેવામાં આવી છે. પોલીસ અને અન્ય એજન્સીઓ યુનિવર્સિટીના નાણાકીય રેકોર્ડની તપાસ કરી રહી છે, કારણ કે ફંડિંગને આતંકી પ્રવૃત્તિઓ સાથે જોડવાના શંકાઓ છે, જે તપાસને વધુ ગહન બનાવી રહી છે.
આ પણ વાંચો…દિલ્હી વિસ્ફોટના તાર છેક પશ્ચિમ બંગાળ સુધી પહોંચ્યા, એમબીબીએસના વિદ્યાર્થીની ધરપકડ…



