દિલ્હી બ્લાસ્ટ કાવતરૂં: ફરિદાબાદ, કાનપુર, જમ્મુ, પુલવામા… ‘વ્હાઈટ કોલર ટેરર મોડ્યુલ’ હેઠળ કેટલા ડૉક્ટર ઝડપાયા?

નવી દિલ્હી: લાલ કિલ્લા પાસે થયેલા બોમ્બ બ્લાસ્ટથી સમગ્ર દેશ સ્તબ્ધ થઈ ગયો છે. ગુપ્તચર એજન્સી આ કાવતરાની પાછળ રહેલા લોકોની શોધખોળમાં લાગી ગઈ છે. ગુપ્તચર એજન્સીની તપાસમાં અનેક ડૉક્ટરનું નામ બહાર આવ્યું છે, જ્યારે કાયદેસરની કાર્યવાહી કરી છે. આ ડૉક્ટરો ‘વ્હાઈટ કોલર ટેરર મોડ્યુલ’ હેઠળ કામ કરતા હોવાનું સામે આવ્યું છે. આ મોડલ હેઠળ ફરિદાબાદ, કાનપુર, જમ્મુ સહિત પુલવામાંથી અનેક ડોક્ટરની ધરપકડ કરી છે, ત્યારે જાણીએ નરાધમોની કરમ કુંડળી.
અલ ફલાહ યુનિવર્સિટી સાથે જોડાયેલા ડૉક્ટર્સ
ફરિદાબાદ ટેરર મોડ્યુલ અંગે થઈ રહેલી તપાસમાં હરિયાણા પોલીસે દિલ્હીના ઓખલા ખાતેની અલ ફલાહ યુનિવર્સિટીના મુખ્યાલય પર દરોડા પાડ્યા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પોલીસ ડૉ. મુઝમ્મિલ, ડૉ. શાહીન અને ડૉ. ઉમર સાથે જોડાયેલી માહિતી અને તેના દસ્તાવેજો મેળવવા માટે ત્યાં પહોંચી હતી. ત્રણેયને કોઈને કોઈ રીતે અલ ફલાહ યુનિવર્સિટી સાથે સંબંધ નીકળી રહ્યો છે.
દિલ્હી પોલીસે હાપુડની જીએસ મેડિકલ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. ફારૂકની ધરપકડ કરી છે. તે કોલેજના પસુતિ વિભાગમાં ફરજ બજાવે છે અને તે લગભગ એક વર્ષ સુધી કેમ્પસમાં રહેતો હતો. ડૉ. ફારૂક મૂશ જમ્મુ-કાશ્મિરનો રહેવાસી છે, તેણે એમ. બી. બી. એસ. તથા એમ.ડી. અલ ફલાહ યુનિવર્સિટીમાંથી પૂરૂ કર્યું હતું. સુરક્ષા એજન્સીને શંકા છે કે, ડૉક્ટર ફારૂકનો આતંકી સંગઠન સાથે કોઈ સંબંધ હતો.
કાશ્મીરમાં પણ અનેક ઠેકાણાઓ પર દરોડા
યુપી એટીએસએ કાનપુરના કાર્ડિયોલોજી ઇન્સ્ટિટ્યૂટના ડૉ. મોહમ્મદ આરિફની પણ ધરપકડ કરી છે. તે જમ્મુ-કાશ્મીરનો રહેવાસી છે અને કાર્ડિયોલોજીનો વિદ્યાર્થી છે. તપાસમાં સામે આવ્યું છે કે, ડૉ. આરિફ સતત ડૉ. શાહીનના સંપર્કમાં હતો.
કાશ્મીર ખીણમાં કાઉન્ટર ઇન્ટેલિજન્સ કાશ્મીર અને પોલીસની સંયક્ત ટીમે 13થી 15 જેટલા ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. આ દરોજામાં ઘણા ડૉક્ટરની પૂછપરછ કરવામાં આવી છે. અનંતનાગના ડૉ. મુઝફ્ફર, કાજીગુંડના ડૉ. વહિદ અને પુલવામાના ડૉ. સજ્જાદ મલિકને પણ તપાસ માટે ધરપકડ કરવામાં આવી છે.
અનંતનાગમાં ડૉક્ટર પાસેથી મળી AK-47 રાઇફલ
તપાસમાં સામે આવ્યું છે કે, સમગ્ર નેટવર્ક ‘વ્હાઈટ કોલર ટેરર મોડ્યુલ’ તરીકે કામ કરી રહ્યું હતું. અત્યારસુધી 250થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી છે. જેમાં 12 શંકાસ્પદોની લાંબી પૂછપરછ ચાલી છે. આ શંકાસ્પદોમાં ડૉક્ટર અને સરકારી કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે અનંતનાગ જિલ્લાના જલગુંડના રહેવાસી અને ભૂતપૂર્વ સરકારી ડૉક્ટર આદિલ અહેમદ રાથેરના લોકરમાંથી એક AK-47 રાઇફલ મળી આવી હતી. આ ગંભીર ગુનાના પગલે, નૌગામ પોલીસ સ્ટેશનમાં FIR નંબર 162/2025 હેઠળ ભારતીય દંડ સંહિતા (IPC) અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA)ની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
આપણ વાંચો: દિલ્હી બ્લાસ્ટ અંગે વિપક્ષે કેન્દ્ર સરકાર અને સુરક્ષા એજન્સી પર સવાલ ઉઠાવ્યા! જાણો કોણે શું કહ્યું?



