
ઉમર નબી બ્લાસ્ટ પહેલાં નૂંહમાં ATMમાંથી પૈસા કાઢવા ગયો હતો; સિક્યોરિટી ગાર્ડને લાલચ આપીને પ્લાન છુપાવ્યો
નવી દિલ્હી: લાલા કિલ્લા પાસે થયેલા બ્લાસ્ટ કેસમાં દિવસે દિવસે નવા વળાંક આવી રહ્યા છે. દેશ તપાસ એજન્સી આ કેસના ગુનેગારોને કડક સજા આપવવા માટે એક એક કડી જોડીને આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. ફરિદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટીમાં અસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરતા ઉમર નબીએ પોતાની જ કારમાં વિસ્ફોટ કરીને 13 લોકોના જીવ લીધા હતા.
વિસ્ફોટ પહેલા અંતિમ કલાકોના સીસીટીવી ફૂટેજ હવે પોલીસને મળ્યા છે, જેમાં તે નૂંહમાં એટીએમ પર પૈસા કાઢવાના પ્રયાસમાં જોવા મળે છે. આ ફૂટેજથી તપાસકર્તાઓને તેની માનસિક સ્થિતિ અને પ્લાનિંગ વિશે મહત્વના સંકેત મળ્યા છે.
10 નવેમ્બરની રાત્રે ઉમર નબી તેની આઈ-20 કારમાં નુંહ જિલ્લાના ફિરોઝપુર ઝિરકા વિસ્તારમાં આવેલા એચડીએફસી બેંકના એટીએમ પર પહોંચ્યો હતો. સીસીટીવીમાં તે માસ્ક પહેરીને કારમાંથી ઉતરતો અને એટીએમમાં પ્રવેશતો દેખાય છે. તેણે ત્યાં ત્રણ મિનિટ સુધી પૈસા કાઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ મશીનમાં પૈસા ન હોવાથી તે નિષ્ફળ રહ્યો. આ ઘટના વિસ્ફોટથી લગભગ 18 કલાક પહેલા બની હતી.
પૈસા નહીં મળતા ઉમરે એટીએમની બહાર ઊભા સિક્યોરિટી ગાર્ડ મોહર સિંહને સંપર્ક કર્યો અને 50 હજાર રૂપિયા કાઢવાની વાત કરી. ગાર્ડે તેને જણાવ્યું કે આ મશીન બંધ છે અને પૈસા નથી. ત્યારે ઉમરે ગાર્ડને 5,000 રૂપિયાનું લાલચ આપીને તેને પોતાની કારમાં બેસાડીને અન્ય એટીએમ તરફ લઈ ગયો. સીસીટીવીમાં રાત્રે 1.05 વાગ્યે ગાર્ડ કારમાં બેસતો દેખાય છે.
ઉમરે ગાર્ડને લઈને શહેરમાં અલગ-અલગ એટીએમ પર ફર્યો અને આખરે એક જગ્યાએ પૈસા કાઢવામાં સફળ થયો. લગભગ 20 મિનિટ પછી એટલે કે રાત્રે 1.25 વાગ્યે તે પાછો HDFCના એટીએમ પર આવ્યો અને ગાર્ડને ત્યાં જ છોડીને ચાલ્યો ગયો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ પછી તે સીધો દિલ્હી તરફ ગયો હતો.
આ ઘટનાના માત્ર 10 મિનિટ પછી ઉમરની કાર દિલ્હી-મુંબઈ-વડોદરા એક્સપ્રેસવે પરના ટોલ પ્લાઝા પર સીસીટીવીમાં દેખાઈ, જ્યાં તે દિલ્હી તરફ જતો જોવા મળ્યો. તે જ દિવસે સાંજે 6.52 વાગ્યે લાલ કિલ્લા પાસે તેની કારમાં વિસ્ફોટ થયો, જેમાં 13 લોકોના મોત થયા હતા. પોલીસને આ ફૂટેજથી તેના પ્લાનની વિગતો મળી રહી છે.
આ પણ વાંચો…દિલ્હી વિસ્ફોટમાં કેસમાં ખુલાસો, ઉમર પીએમ આવાસ નજીક ગયો હતો, ઉમરના બે સાથી ફરાર



