
નવી દિલ્હી: સોમવાર સાંજે 6:55 વાગ્યે દિલ્હીનું લાલકિલ્લા મેટ્રો સ્ટેશન ગેટ-1 બહાર એક ભીષણ વિસ્ફોટથી ગુંજી ઉઠ્યું. આ હાઈ-ઇન્ટેન્સિટી બ્લાસ્ટમાં 8 લોકોનાં મોત થયાં અને 24થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા. ધમાકાની તીવ્રતા એટલી હતી કે આસપાસની 5-6 ગાડીઓ આગના ગોળા બની ગઈ અને તેમના પરખચ્ચા ઉડી ગયા. ઘાયલોને LNJP હોસ્પિટલમાં ખસેડાયા છે, જેમાંથી અનેકની હાલત ગંભીર છે. આ ગંભીર હુમલાને લઈ અયોધ્યા રામમંદિરની પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. રામમંદિર આજુબાજું લોકો ગતિવિધીઓ પર કડક નજર રાખવામાં આવી રહી છે.
જમ્મુ-ફરીદાબાદથી દિલ્હી સુધીનો આતંકી થ્રેડ?
આ વિસ્ફોટના માત્ર 18 કલાક પહેલાં જ જમ્મુ-કશ્મીર અને ફરીદાબાદ પોલીસે 2,900 કિલો આઈઈડી બનાવવાનો કેમિકલ (એમોનિયમ નાઈટ્રેટ), AK-56, ચીની પિસ્તોલ અને હજારો કારતૂસ સાથે 7 આતંકીઓને પકડ્યા હતા. આમાં બે ડોક્ટર પણ સામેલ છે – ફરીદાબાદના ડૉ. મુઅઝમિલ અહમદ ગનૈ અને કુલગામના ડૉ. આદિલ. પોલીસનું માનવું છે કે આ નેટવર્ક જૈશ-એ-મોહમ્મદ અને અંસાર ગઝવત-ઉલ-હિંદનું વ્હાઈટ-કોલર સ્લીપર સેલ હતું. જેનાથી આશંકા સેવાઈ રહી છે કે આ હુમલા પાછળ પણ તેમનો હાથ હોઈ શકે છે. જોકે આ મામલે તમામ એજન્સીઓ તાપસ ચાલી રહી છે.
ઘટનાસ્થળે એનઆઈએ, એનએસજી, સ્પેશ્યલ સેલ અને ફોરેન્સિક ટીમો પહોંચી ગઈ છે. ધમાકા પહેલાંની સફેદ ઇકો વૈનના CCTV ફૂટેજ મળ્યા છે, જેની રજિસ્ટ્રેશન અને માલિકની શોધ ચાલુ છે. માટી અને વાહનના અવશેષો CFSL લેબમાં મોકલાયા છે. દિલ્હી-એનસીઆરમાં હાઈ એલર્ટ જાહેર થયું છે, બોર્ડર પર ચેકિંગ શરૂ થઈ ગયું છે.
ગૃહમંત્રી અમિત શાહે રાત્રે એનઆઈએ, IB અને દિલ્હી પોલીસના ટોચના અધિકારીઓ સાથે ઇમર્જન્સી બેઠક લીધી. પીએમ મોદીએ પણ શાહ સાથે ફોન પર વાત કરી અને “દોષિતોને કડક સજા”ના આદેશ આપ્યા. દિલ્હી પોલીસ કમિશનર સતીશ ગોલછા સ્વયં ઘટનાસ્થળે હાજર છે. દરેક એન્ક્રિપ્ટેડ ચેટ અને ડાર્ક વેબ પ્લેટફોર્મ પર નજર રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો…2011 પછી દિલ્હીમાં બીજો મોટો વિસ્ફોટ, મૃત્યુઆંક 8: જાણો અગાઉ ક્યારે થયા હતા મોટા વિસ્ફોટો?



