દિલ્હી બન્યું બીજા નંબરનું પ્રદૂષિત, AQI 400ને પાર: રાજધાનીની હવામાં કેવી રીતે ભળ્યું ઝેર?

નવી દિલ્હી: દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હવા દિવસેને દિવસે વધુ ઝેરી બની રહી છે. આજે એટલે કે 8 નવેમ્બરને શનિવારના રોજ દિલ્હી શહેરના ઘણા ભાગોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 400 ને વટાવી ગયો, જેના કારણે શહેરની હવા ‘ગંભીર’ (Severe) શ્રેણીમાં પહોંચી ગઈ છે. આ ઝેરી ધુમ્મસને કારણે દિલ્હી દેશના સૌથી પ્રદૂષિત શહેરોમાંનું એક બની ગયું છે.
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)નો ચોંકાવનારો ડેટા
7 નવેમ્બરને શુક્રવારે સરેરાશ AQI 322 નોંધાયો હતો. શનિવારે સાંજે 4 વાગ્યે (24 કલાકનો સરેરાશ)361 AQI નોંધાયો હતો. શનિવારે સાંજે 5 વાગ્યે, દિલ્હીના ઘણા વિસ્તારોમાં AQI 400 ને વટાવી ગયો, જેનો અર્થ છે કે હવા ઝેરી (Severe) શ્રેણીમાં પહોંચી ગઈ છે. રાજ્યભરના 38 મોનિટરિંગ સ્ટેશનોમાંથી, આ વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર સૌથી વધુ નોંધાયું હતું. જેમાં વઝીરપુર(420 AQI), બુરાડી (418 AQI), વિવેક વિહાર (411 AQI), નેહરુ નગર (406 AQI), અલીપુર (404 AQI), ITEPO (402 AQI)નો સમાવેશ થાય છે. આ સાથે દિલ્હી દેશનું બીજા નંબરનું સૌથી મોટું પ્રદૂષિત શહેર બની ગયું છે.
આ પણ વાંચો : દિલ્હીની હવામાં ‘ઝેર’ ભળ્યું, જુઓ દેશના ટોપ 10 પ્રદૂષિત શહેરોની યાદી
પરાળી બાળવાના કારણે 30% વધારો
હવાની ગુણવત્તાનો અંદાજ લગાવતી ડિસિઝન સપોર્ટ સિસ્ટમ (DSS) અનુસાર, દિલ્હીમાં પ્રદૂષણ વધવા પાછળનું એક મુખ્ય કારણ ખેડૂતો દ્વારા પરાળી બાળવાની પ્રવૃત્તિ છે. પરાળી બાળવાને કારણે દિલ્હીના પ્રદૂષણમાં લગભગ 30 ટકાનો વધારો થયો છે. સેટેલાઇટ છબીઓ દર્શાવે છે કે શુક્રવારે પંજાબમાં 100, હરિયાણામાં 18 અને ઉત્તર પ્રદેશમાં 164 સ્થળોએ પરાળી બાળવામાં આવી હતી.
આ પણ વાંચો : ‘કોઈ નક્કર પુરાવા ન હતાં’ કેનડાના વડા પ્રધાન Trudeauનું સ્વીકારનામું
ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં ગંભીર હવાના સ્તરે પહોંચતા, રહેવાસીઓને સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને સરકાર પર પ્રદૂષણ નિયંત્રણ માટે તાત્કાલિક પગલાં લેવાનું દબાણ વધ્યું છે.



