ખેદ હૈઃ દિલ્હી એરપોર્ટ પર ખરાબ હવામાનને કારણે આટલી ફ્લાઇટ ડાયવર્ટ
નવી દિલ્હીઃ દિલ્હી એરપોર્ટ પર આજે સવારે ઓછી વિઝિબિલિટીને કારણે કામગીરી પ્રભાવિત થતા ઓછામાં ઓછી ૧૦ ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી. જ્યારે કેટલીક ફલાઇટ્સ મોડી પડવા અંગે પ્રશાસન દ્વારા દિલગીરી પણ વ્યક્ત કરી હતી.
એક અધિકારીના જણાવ્યા અનુસાર આજે ખરાબ હવામાનને કારણે સવારે ૭ વાગ્યાથી ૯ ફ્લાઇટને જયપુર અને એક ફ્લાઇટને લખનઉ ડાયવર્ટ કરવામાં આવી હતી. અન્ય એક અધિકારીએ જણાવ્યું કે ઓછી વિઝિબિલિટીના કારણે ઘણી ફ્લાઇટ્સ મોડી પડી હતી. જોકે બાદમાં સ્થિતિમાં સુધારો થયો હતો.
આપણ વાંચો: Microsoft outage: મુંબઈ, દિલ્હી એરપોર્ટ પર આ એરલાઈન્સની કામગીરી ઠપ્પ, મુસાફરો રઝળ્યા
ભારતીય હવામાન વિભાગ(આઇએમડી)ના જણાવ્યા અનુસાર સવારે ૫-૩૦ વાગ્યાની આસપાસ ખૂબ જ ગાઢ ધુમ્મસ છવાયેલો હતો. જેના કારણે રાષ્ટ્રીય રાજધાનીના વિવિધ ભાગોમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યો હતો.
નોંધનીય છે કે રાષ્ટ્રીય રાજધાનીમાં ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ(આઇજીઆઇએ) દેશનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે અને દરરોજ લગભગ ૧૪૦૦ ફ્લાઇટ્સનું સંચાલન કરે છે.