
નવી દિલ્હી: ગઇકાલે રાજધાની દિલ્હીનાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. સાંજના સમયે ભારે પવન સાથે ધૂળની આંધીએ દિલ્હીના જનજીવનન ભારે પ્રભાવિત કર્યું હતુ. વાતાવરણના પલટાએ હવાઈ સેવાને પણ અસર પહોંચાડી હતી. છેલ્લી ઘડીએ ઘણી ફ્લાઇટ્સના ટાઈમ ટેબલમા ફેરફાર કરવામાં આવતા મુસાફરો રાતે એરપોર્ટ પર અટવાઈ ગયા હતા. દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર મુસાફરોની ભારે ભીડના ફોટા શનિવાર સવારથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
સોશિયલ મીડિયા પર રોષ
સોશિયલ મીડિયા પર ટર્મિનલ 3 ના ગેટ નંબર 42A ની તસવીર શેર કરતા, એક મુસાફરે એર ઈન્ડિયાને ટેગ કરીને લખ્યું – ભાગદોડ જેવી સ્થિતિ છે. અન્ય એક મુસાફર વિપુલે લખ્યું કે ટર્મિનલ 3 પર પરિસ્થિતિ ગંભીર છે. રાતે ફસાયેલા મુસાફરો હતાશ અને હેરાન છે. તેમના મતે સવારે ગેટ નંબર 2 પરથી 8 થી વધુ ફ્લાઇટ્સનું બોર્ડિંગ થઈ રહ્યું છે, જેના કારણે અંધાધૂંધી મચેલી છે.
વિપુલ સિંહ નામના એક મુસાફરે ટ્વીટમાં નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુને ટેગ કર્યા છે અને તેમને આ બાબતની તપાસ કરવા અપીલ કરી છે. ગઈકાલ રાતથી એરપોર્ટ પર ખૂબ જ ગભરાટનો માહોલ છે. ગેટ નંબર 2 થી 8 થી વધુ ફ્લાઇટ્સને ચઢવાનું કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચો: રાજધાની બની ‘ધૂંધળી’: દિલ્હી-એનસીઆરમાં ધૂળની આંધીથી વાતાવરણ પલટાયું
એર ઈન્ડિયાએ કર્યું ટ્વીટ
આ અંગે એર ઈન્ડિયાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, “ભારે આંધી અને તોફાની પવનો અને ખરાબ હવામાનને કારણે ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં ફ્લાઇટ કામગીરી પર અસર પડી છે. દિલ્હી જતી અને આવતી અમારી કેટલીક ફ્લાઇટ્સ મોડી પડી રહી છે અથવા ડાયવર્ટ થઈ રહી છે, જેના કારણે અમારા ફ્લાઇટ શેડ્યૂલ પર અસર થવાની સંભાવના છે. અમે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ અને વિક્ષેપ ઓછો કરવા માટે પ્રયાસો કરી રહ્યા છીએ.”