દિલ્હીમાં ઝેરી હવાનું જોખમ: ધોરણ 5 સુધીની શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ બંધ…

નવી દિલ્હી: દિલ્હીમાં વાયુ પ્રદૂષણનું સ્તર અત્યંત ભયજનક સપાટી વટાવી ગયું છે, જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને નાના બાળકોના સ્વાસ્થ્ય પર તોળાતા જોખમને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકાર દ્વારા એક મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજધાનીમાં સતત બગડતી હવાની ગુણવત્તાને કારણે શાળાઓના સમયપત્રકમાં ફેરફાર કરવાની ફરજ પડી છે. સરકારનું માનવું છે કે અત્યારે બાળકોને ઘરની બહાર કાઢવા એ તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા સમાન છે, તેથી સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક અસરથી પ્રતિબંધાત્મક પગલાં અમલી બનાવ્યા છે.
દિલ્હી સરકારના નવા આદેશ અનુસાર, નર્સરીથી ધોરણ પાંચ સુધીના વિદ્યાર્થીઓ માટેની ઓફલાઇન પ્રક્રિયા આગામી સૂચના સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. હવે આ તમામ વિદ્યાર્થીઓનો અભ્યાસ માત્ર ઓનલાઇન માધ્યમથી જ ચાલુ રહેશે. આ નિયમ દિલ્હીની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી માન્યતા પ્રાપ્ત શાળાઓ પર એક સમાન રીતે લાગુ પડશે. પ્રદૂષણની સૌથી વધુ અસર બાળકો અને વૃદ્ધો પર થતી હોવાથી શિક્ષણ વિભાગે આ કડક વલણ અપનાવ્યું છે.
દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) સતત ‘ગંભીર’ શ્રેણીમાં રહેતા સરકારે ‘ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન’ (GRAP) નો ચોથો તબક્કો અમલી બનાવવો પડ્યો છે. સવાર અને રાત્રિના સમયે દિલ્હીના આકાશમાં ધુમ્મસની ઘાટી ચાદર જોવા મળી રહી છે, જેના કારણે અનેક વિસ્તારોમાં વિઝિબિલિટી (દ્રશ્યતા) ઘટીને શૂન્યની નજીક પહોંચી ગઈ છે. પ્રદૂષણ પાછળ વાહનોનો ધુમાડો, ઔદ્યોગિક એકમોનું ઉત્સર્જન અને બાંધકામની ધૂળ જવાબદાર ગણવામાં આવી રહી છે. આ ગંભીર સ્થિતિ મુદ્દે આપ નેતા સૌરભ ભારદ્વાજે મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર નિશાન સાધીને સરકારી તંત્રની ટીકા પણ કરી છે.
સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હવાની ગુણવત્તા પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જેમ જ પ્રદૂષણના સ્તરમાં ઘટાડો થશે અને હવાની ગુણવત્તામાં સુધારો જણાશે, તેમ શાળાઓને ફરીથી ઓફલાઇન શરૂ કરવા અંગે વિચારણા કરવામાં આવશે. હાલના તબક્કે બાળકોની સુરક્ષાને સર્વોપરી ગણીને ઓનલાઇન શિક્ષણનો વિકલ્પ પસંદ કરવામાં આવ્યો છે જેથી તેમનો અભ્યાસ પણ ન બગડે અને સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે.
આ પણ વાંચો…દિલ્હીમાં ઝેરી હવાનું ગાઢ ધુમ્મસ: ફ્લાઇટ્સને અસર, AQI ‘ગંભીર’ શ્રેણીમાં, જુઓ વિડીયો



