દિલ્હી: 25 કરોડની ચોરીના કેસમાં છત્તીસગઢમાંથી 3 આરોપીની ધરપકડ, સોનું જપ્ત
દિલ્હીના ભોગલમાં જ્વેલરી શોરૂમમાં રૂ.25 કરોડની જ્વેલરીની ચોરીના કેસમાં છત્તીસગઢમાંથી ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય બદમાશોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ રિકવરી માટે અલગ અલગ જગ્યાએ દરોડા પાડી રહી છે. ધરપકડ કરાયેલા શખ્સોમાં મુખ્ય આરોપી લોકેશ શ્રીવાસ્તવ, અન્ય આરોપી શિવ ચંદ્રવંશી અને અન્ય એક વ્યક્તિનો સમાવેશ થાય છે.પોલીસે તેમની પાસેથી મોટી માત્રામાં સોનું જપ્ત કર્યું છે.
પોલીસ દ્વારા કરવામાં આવેલા ખુલાસા મુજબ આ ટોળકીએ છત્તીસગઢ અને આંધ્રપ્રદેશમાં પણ ચોરીની ઘટનાઓને અંજામ આપી ચુકી છે. હાલમાં દિલ્હી પોલીસની ટીમ પણ છત્તીસગઢમાં હાજર છે.
નોંધનીય છે કે 26 સપ્ટેમ્બરના રોજ દિલ્હીના ભોગલ વિસ્તારમાં ઉમરાવ જ્વેલર્સમાંથી કરોડોની ચોરી થઈ હતી. મોડી રાત્રે ચોરોએ શોરૂમમાંથી બધા જ દાગીનાની ચોરી કરી હતી જેની કિંમત રૂ.25 કરોડ જેટલી થાય છે. આને દિલ્હીની સૌથી મોટી ચોરી માનવામાં આવી રહી છે. પોલીસ સતત આરોપીને શોધી રહી હતી. હવે ત્રણ આરોપી પોલીસના હાથે ઝડપાઈ ગયા છે
તસ્કરોએ ઉમરાવ જ્વેલર્સમાં આયોજન સાથે ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરો દિવાલ તોડીને શોરૂમના લોકર રૂમમાં ઘુસ્યા હતા.ચોર શોરૂમના ચોથા માળેથી છતનું તાળુ તોડીને નીચે ઉતર્યા હતા અને ત્યારબાદ દિવાલમાં કાણું પાડીને સીસીટીવી કનેકશન કાપી નાખ્યા હતા. ચોંકાવનારી વાત એ છે કે સ્ટ્રોંગ રૂમની ત્રણ દિવાલો લોખંડની હતી છતાં ચોરોએ તેને કાપી નાંખી હતી.