
દહેરાદૂન: પર્વતીય રાજ્ય ઉત્તરાખંડમાં વરસાદે ભારે તારાજી સર્જી છે. સતત પડી રહેલા વરસાદને કારણે નદીઓ કાંઠા તોડીને વહી રહી છે, કેટલીક જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓ બની છે, દહેરાદુનમાં વાદળ ફાટવાને કારણે પહાડોમાંથી કાટમાળ મુખ્ય રસ્તાઓ પર ધસી આવ્યો હતો. સોશિયલ મીડિયા પર ભયાનક સ્થિતિના ફોટો અને વિડીયો શેર કરવામાં આવ્યા હતાં.
ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમાં સોમવાર રાતથી મંગળવાર સવાર સુધી ભારે વરસાદ પડ્યો હતો. નદીઓ અને નાળાઓમાં ધસમસતું પાણી ઘરો, દુકાનો, રસ્તાઓ અને પુલોને વહાવી ગયા હતાં. અહેવાલ મુજબ વરસાદને લગતી દુર્ઘટનાઓમાં રાજ્યમાં 15 લોકોના મોત થયા છે, જ્યારે 16 લોકો હજુ પણ ગુમ છે. ફસાયેલા 900 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે.
ઉત્તરાખંડ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (USDMA) ના જણવ્યા મુજબ સૌથી વધુ નુકસાન દેહરાદૂન જિલ્લામાં થયું છે, જ્યાં ગઈ કાલે વાદળ ફાટવાની ઘટના બની હતી. દેહરાદુનમાં જ 13 લોકોના મોત થયા છે. જ્યારે નૈનિતાલ અને પિથોરાગઢ જીલ્લામાં એક-એક મોતના અહેવાલ છે.
ટોન્સ નદીમાં ઘોડાપૂર:
પહાડી વિસ્તારોમાં સતત વરસાદને કારને ટોન્સ નદીનું જળસ્તર અચાનક વધી ગયું હતું, જેને કારણે પુર આવ્યું હતું. દહેરાદુન જિલ્લાના વિકાસનગર વિસ્તારમાં પાણીનું જળસ્તર વધતા નદી પાર કરી રહેલી એક ટ્રેક્ટર-ટ્રોલી જોરદાર પ્રવાહમાં ફસાઈ ગઈ હતી અને તેમાં સવાર ઉત્તર પ્રદેશના 10 લોકો તણાઈ ગયા. જેમાં છ લોકોના મોત થયા, જ્યારે ચાર હજુ પણ લાપતા છે. હજુ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે
ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામી પરિસ્થિતિ પર રાખી રહ્યા છે, તેમને અસરગ્રસ્ત વિસ્તારોનું મુલાકાત લીધી હતી અને મૃતકોના પરિવારોને વળતરની જાહેરાત કરી છે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પણ મૃતકોના પરિવારજનોને નાણાકીય સહાય અને મૃતદેહોને તેમના ગામોમાં સન્માનપૂર્વક પરત કરવાની જાહેરાત કરી હતી.
900 લોકોને રેસ્ક્યુ કરાયા:
નદીઓમાં પુરને કારણે રાજ્યના ઘણાં મુખ્ય હાઈવે ધોવાઈ ગયા અને પુલ વહી ગયા. દહેરાદુનના પ્રખ્યાત ટપકેશ્વર મહાદેવ મંદિર પરિસર સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયું હતું. પૌંડા વિસ્તારમાં આવેલી દેવભૂમિ સંસ્થામાં 400 થી વધુ વિદ્યાર્થીઓ પૂરના પાણીમાં ફસાયા હતાં, ટિહરી અને નૈનિતાલ જિલ્લામાં પણ ઘણાં લોકો ફસાયેલા હતા, તમામને સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા હતાં.
સોશિયલ મીડિયા શેર કરવામાં આવેલા ફોટો અને વીડિયોમાં જોઈ શકાય છે કે SDRF અને NDRFની ટીમો દોરડા અને બોટની મદદથી જોરદાર પ્રવાહમાં ફસાયેલા લોકોને બચાવી રહી છે.