દિપીકા ચીખલીયા, સુનિલ લહેરી, અરૂણ ગોવિલનું ‘હમારે રામ આયે હૈં’ સોંગ રિલીઝ..
આજે Ayodhya Ram Mandirનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાઇ ગયો. સમગ્ર દેશ આજે ધાર્મિકતાના રંગે રંગાયેલું છે ત્યારે લોકોના હૃદયમાં વસેલા પ્રખ્યાત ‘રામાયણ’ સિરીયલના કલાકારો દિપીકા ચીખલીયા, સુનિલ લહેરી, અરૂણ ગોવિલનું ‘હમારે રામ આયે હૈં’ સોંગ પણ આજે રિલીઝ થયું છે. આ ગીતને લોકપ્રિય ગાયક સોનુ નિગમે અવાજ આપ્યો છે.
આ ગીતને અભિનેત્રી દિપીકા ચીખલીયાએ તેમના સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું. તેમણે કેપશનમાં લખ્યું હતું કે ‘પ્રભુ કી ઘર વાપસી કી હાર્દિક બધાઇ, જય સિયારામ.’
આ ત્રણેય કલાકારો અને સોનુ નિગમ આજે રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવાની તેમને તક મળી એ બદલ તેઓ ધન્યતા અનુભવી રહ્યા છે.
સોનુ નિગમના અવાજમાં આ ગીત સાંભળીને મંત્રમુગ્ધ થઇ જવાય છે. ‘હમારે રામ આયે હૈં’ ગીતના લિરીક્સ અભિષેક ઠાકુરે લખ્યા છે. રામાનંદ સાગરની ‘રામાયણ’માં ભગવાન શ્રીરામ, માતા સીતા અને લક્ષ્મણની ભૂમિકા ભજવીને પ્રખ્યાત થયેલા કલાકારોએ આ ગીતમાં પણ અભિનય કર્યો છે.