કોઈપણ ટ્રાયલ વગર પાકિસ્તાની ઘૂસણખોરને પરત મોકલવાનો નિર્ણય કેમ લેવાયો?

ભુજ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલના એક એપિસોડમાં જેઠાલાલ પાકિસ્તાન પહોંચી જાય છે. ત્યારબાદ ત્યાંના અધિકારી દ્વારા માનવીય અભિગમ દાખવીને જેઠાલાલને પરત ભારત મોકલવામાં આવે છે. આવો જ એક કિસ્સો ભારતમાં પણ સામે આવ્યો છે. આજથી આશરે દોઢેક વર્ષ અગાઉ સીમા સુરક્ષા દળના હાથે કચ્છની સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ સરહદમાં ઘૂસણખોરી કરી રહેલા એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો અને સુરક્ષા એજન્સી દ્વારા તેની સઘન પૂછપરછ આદરવામાં આવી હતી. જેને હવે પાકિસ્તાન પરત મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સુરક્ષા એજન્સીઓએ કરી ઘૂસણખોરની પૂછપરછ
મળતી માહિતી મુજબ, કચ્છની નરા રણ સરહદે સ્થિત બલવીર સીમા ચોકી નજીકથી 16 જૂન, 2024ના રોજ એક પાકિસ્તાની યુવક ઘૂસણખોરી કરતાં બીએસએફના જવાનોના હાથે ઝડપાયો હતો. પાકિસ્તાની યુવકની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ અફઝલ મોહમ્મદ(ઉં.વ.૩૮) અને પાકિસ્તાનના પંજાબ પ્રાંતના સિયાલકોટ જિલ્લાના ગામનો વતની હોવાનું જાણવા મળ્યું હતું.
પાકિસ્તાની ઘૂસણખોરના સિયાલકોટ વિસ્તારનો રહેવાસી છે, એવું જાણીને સુરક્ષા એજન્સી ચોંકી ઉઠી હતી. કારણ કે સિયાલકોટ જમ્મુ-કાશ્મિર સરહદ પાસેનો વિસ્તાર છે. જેથી ધરપકડ બાદના ત્રણ મહિના સુધી ભુજના જોઈન્ટ ઈન્ટરોગેશન સેન્ટર (જેઆઈસી) ખાતે વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા અફઝલની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. પરંતુ આ તપાસમાં પાકિસ્તાની યુવક માનસિક અસ્થિર હોવાનું જણાયું હતું.
પાકિસ્તાની ઘૂસણખોરને પરત કેમ મોકલાયો?
29 સપ્ટેમ્બર, 2024ના રોજ નરા પોલીસ સ્ટેશનમાં પાસપોર્ટ એક્ટ અને ફોરેનર્સ એક્ટ સહિતની કલમ હેઠળ અફઝલ મોહમ્મદ વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.સમગ્ર મામલો ભુજની અદાલત સમક્ષ પહોંચતા અફઝલ મોહમ્મદને માનસિક આરોગ્ય હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. મનોચિકિત્સકના રિપોર્ટમાં અફઝલ પોતાની સામે લાગેલાં આરોપો અંગે વર્તમાન કે ભવિષ્યમાં ટ્રાયલનો સામનો કરવા અસમર્થ હોવાનું જણાયું હતું. ભુજ સેશન્સ જજ દ્વારા અફઝલની માનસિક સ્થિતિ, કાયદાકીય જોગવાઈને ધ્યાનમાં રાખીને ઈન્સાફી કાર્યવાહીમાંથી મુક્ત કરીને તેને પાકિસ્તાન પરત મોકલવાનો હુકમ કર્યો છે.
આપણ વાંચો: દિલ્હીમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે પોલીસનું એન્કાઉન્ટર: ફાયરિંગ બાદ બે શૂટર્સ ઝડપાયા…



